<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

૮૦૦૦ મીટરથી ઊંચા દુનિયાના ૧૪ શિખરો ફક્ત ૬ મહિનામાં સર કર્યા : જાણો કોણ છે પર્વતારોહક નિર્મલ પૂરજા

અશક્ય ગણાતા વર્લ્ડ રેકોર્ડને તોડી પર્વતારોહણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચનાર પૂર્વ બ્રિટિશ ગોરખા સૈનિકની દિલધડક સફર

નવી દિલ્હી:દુનિયાના સૌથી ભયાનક અને ૮,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ૧૪ શિખરોને માત્ર ૬ મહિના અને ૬ દિવસમાં સર કરીને વિશ્વરેકોર્ડ સર્જનાર નેપાળી પર્વતારોહક નિર્મલ પૂરજા (નિમ્સ્દાઈ) ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યા છે. પર્વતારોહણની દુનિયામાં જ્યાં આ ૧૪ શિખરો સર કરવામાં લોકોને દાયકાઓ લાગી જતા હોય છે, ત્યાં પૂર્વ બ્રિટિશ ગોરખા અને યુકે સ્પેશિયલ બોટ સર્વિસ (SBS)ના કમાન્ડો રહી ચૂકેલા નિર્મલ પૂરજાએ પોતાના 'પ્રોજેક્ટ પોસિબલ ૧૪/૭' હેઠળ આ અશક્ય કારનામાને શક્ય બનાવી બતાવ્યું હતું. માઉન્ટ એવરેસ્ટ, કેટુ (K2), કંચનજંઘા અને અન્નપૂર્ણા જેવા અતિ જોખમી પર્વતો પર કોઈ પણ ડર વગર વિજયપતાકા લહેરાવનાર નિર્મલની આ વિલક્ષણ સફર અને બહાદુરી પર નેટફ્લિક્સ દ્વારા '14 Peaks: Nothing Is Impossible' નામની ચર્ચિત ડૉક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે, જેણે વિશ્વભરના સાહસિકોને પ્રેરણા પૂરી પાડી છે.

પાકિસ્તાનની કારાકોરમ પર્વતમાળામાં આવેલું 8,051 મીટર ઊંચું બ્રોડ પીક વિશ્વનું 12મું સૌથી ઊંચું અને ચઢાણ માટે અતિશય મુશ્કેલ શિખર મનાય છે. નિર્મલ અને તેમની ટીમ 29 જુલાઈ, 2026ના રોજ પાકિસ્તાનના ગિલગિટ, બાલટિસ્થાનમાં આવેલા શિગાર જિલ્લામાંથી બ્રોડ પીકના અંતિમ ચઢાણ (Summit Push) માટે નીકળ્યા હતા. 30 જુલાઈ, 2026ના રોજ સવારે આશરે 9:00 વાગ્યે તેઓ કેમ્પ-2 થી કેમ્પ-3 તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક આવેલા વિનાશક હિમપ્રપાતે તેમના પ્રાણ લઈ લીધા હતા.

પાકિસ્તાની ટૂર કંપની 'કારાકોરમ વિઝન' દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા 30 જુલાઈના વીડિયોમાં નિર્મલ પૂરજા અને તેમની ટીમ 5,700 મીટરની ઊંચાઈએ પર્વત ચઢતાં સ્પષ્ટ દેખાતાં હતાં. ટીમના સભ્યો શિખરથી થોડા જ અંતરે હતા ત્યારે અચાનક પર્વત પરથી બરફની એક મહાકાય શિલા તૂટી પડી. બેઝ કેમ્પથી જોઈ રહેલા લોકોએ બરફનું તોફાન શમ્યા બાદ જોયું તો સમગ્ર ટીમ બરફના થર નીચે દટાઈ ગઈ હતી અને કોઈ પર્વતારોહક દેખાતો નહોતો.

અતિશય દુર્ગમ ભૂપ્રદેશ, અત્યંત ખરાબ હવામાન અને પાકિસ્તાનની મર્યાદિત 'લોંગ-લાઇન હેલિકોપ્ટર' બચાવ ક્ષમતાના કારણે વધુ ઊંચાઈ પરથી બાકીના મૃતદેહો નીચે લાવવાનું કામ મુશ્કેલ બન્યું છે. લોંગ-લાઇન હેલિકોપ્ટર એટલે એવી બચાવ પદ્ધતિ જેમાં હેલિકોપ્ટર નીચે ઉતાર્યા વગર, તેના તળિયે બાંધેલા 100 થી 300 ફૂટ લાંબા મજબૂત દોરડા વડે પર્વતના દુર્ગમ ઢોળાવ પરથી લોકોને કે મૃતદેહોને હવામાં લટકાવીને રેસ્ક્યુ કરવામાં આવે છે.

26 માર્ચ, 2023 ના રોજ નિર્મલ પૂરજા પોતાની જન્મભૂમિ દાના ગામ ગયા હતા. તેમણે પોતાની બહેન કમલાને તેમની પૂર્વજોની જમીન સાફ કરવા કહ્યું હતું અને ત્યાં ભાઈઓ સાથે મળીને પરંપરાગત શૈલીનું નવું ઘર બનાવવાની યોજના વ્યક્ત કરી હતી. કમનસીબે, તેમનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું.

નિર્મલ પૂરજા અને તેમની ટીમના અવસાનથી વિશ્વભરમાં શોક વ્યાપી ગયો છે. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ, બ્રિટનના પ્રિન્સ વિલિયમ તેમજ વિવિધ દેશોના પ્રખ્યાત પર્વતારોહકોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. નેપાળના ચિતવનની સ્મોલ હેવન સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મીણબત્તીઓ પ્રગટાવી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

(6:22 PM IST)