તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
AI વર્લ્ડમાં ચીનની ‘ડેટા ચોરી’નો પર્દાફાશ: અમેરિકાની જાયન્ટ AI લેબ્સ પર ચીની કંપનીઓની વક્રદ્રષ્ટિ
બૌદ્ધિક સંપદાની લૂંટ: ‘એન્થ્રોપિક’ના ચોંકાવનારા ખુલાસાથી ટેક જગતમાં ખળભળાટ:ચીની હેકરો અને કંપનીઓ ગુપ્ત મોડલ અને ડેટા ચોરવા માટે હાઈટેક જાસૂસી કરી રહી છે: અમેરિકા અને ચીન વચ્ચે ‘એઆઈ કોલ્ડ વોર’ તેજ:શું આ ડેટા ચોરીથી ચીન પોતાનું શક્તિશાળી AI મોડલ તૈયાર કરશે? સિલિકોન વેલીમાં સિક્યુરિટી એલર્ટ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની રેસમાં આગળ નીકળવા માટે ચીને હવે શોર્ટકટ અપનાવ્યો હોય તેવું લાગે છે. અમેરિકાની પ્રતિષ્ઠિત એઆઈ રિસર્ચ લેબ ‘એન્થ્રોપિક’ એ ગંભીર આરોપ લગાવ્યો છે કે ચીની કંપનીઓ અને સંસ્થાઓ અમેરિકાની એઆઈ લેબ્સમાંથી કિંમતી ડેટા અને આલ્ગોરિધમ ચોરી રહી છે. નિષ્ણાતોના મતે, આ માત્ર ડેટા ચોરી નથી પણ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પ્રભુત્વ પરનો સીધો હુમલો છે.
અમેરિકન વિદેશ વિભાગે દુનિયાભરમાં તેના રાજદૂતો અને કોન્સ્યુલર મિશનોને મોકલેલા કેબલ સંદેશામાં રાજકીય કર્મચારીઓને નિર્દેશ અપાયો છે કે તેઓ પોતાના વિદેશી સમકક્ષો સાથે વિરોધીઓ દ્વારા અમેરિકાના એઆઈ મોડેલો પાસેથી માહિતી મેળવવા અને તેને ડિસ્ટિલ કરવા સંબંધિત ચિંતાઓ પર વાત કરે. ડિસ્ટિલેશનમાં મોટા અને વધુ મોંઘા એઆઈ મોડેલોથી મળેલા આઉટપુટનો ઉપયોગ કરીને નાના એઆઈ મોડેલોને ટ્રેઈન કરાય છે. નવા અને શક્તિશાળી એઆઈ ટૂલને ટ્રેઈન કરવાનો ખર્ચ ઘટાડવા આમ કરવામાં આવે છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત અમેરિકાની અગ્રણી એઆઈ કંપની એન્થ્રોપિકે ત્રણ અગ્રણી ચીની એઆઈ કંપનીઓ પર પ્રતિસ્પર્ધી મોડેલને ગુપ્ત રૂપે તાલિમ આપવા માટે તેના ક્લોડ ચેટબોટનો મોટાપાયા પર ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. એન્થ્રોપિકની આ ફરિયાદના પગલે અમેરિકન વિદેશ વિભાગે આ પગલું લીધું છે. એન્થ્રોપિકે પોતાના બ્લોગ પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે ચીનની લેબ્સ ડીપસીક, મૂનશોટ એઆઈ અને મિનીમેક્સે કોર્પોરેટ કાયદાનો ભંગ કરતા તેના ક્લોડ એઆઈ ટૂલ સાથે ચેડાં કર્યા છે. એન્થ્રોપિકે તેના બ્લોકમાં કહ્યું કે, ત્રણ એઆઈ લેબ ડીપસીક, મૂનશોટ અને મિનીમેક્સ દ્વારા ક્લોડની ક્ષમતાઓને ગેરકાયદે રીતે કાઢીને પોતાના મોડેલને વધુ સારા બનાવવાના ઔદ્યોગિક સ્તરના અભિયાનોની ઓળખ કરી છે. આ લેબ્સે અમારી સેવા શરતો અને ક્ષેત્રીય પહોંચ પ્રતિબંધોનો ભંગ કરતા લગભગ ૨૪,૦૦૦ નકલી ખાતાઓના માધ્યમથી ક્લોડ સાથે ૧.૬ કરોડથી વધુ વખત સંવાદ કર્યો હતો.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
