<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

અબજોપતિ જેફ બેઝોસનો ‘સ્પેસ બ્લસ્ટ’: ૧૧.૫૭ અબજ ડોલરમાં સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની ‘ગ્લોબલસ્ટાર’ ખરીદી લીધી

એલોન મસ્કના સામ્રાજ્યને સીધી ટક્કર: આકાશમાંથી ઈન્ટરનેટ વરસાવવા બેઝોસનો માસ્ટરસ્ટ્રોક: સેટેલાઈટ માર્કેટમાં મસમોટો ધડાકો: આગામી દિવસોમાં સ્પેસ વોર વધુ તેજ બનશે

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ જેફ બેઝોસે સેટેલાઈટ ઈન્ટરનેટની દુનિયામાં ભૂકંપ લાવી દીધો છે. બેઝોસની માલિકીની એમેઝોન અને બ્લુ ઓરિજિનના માધ્યમથી હવે તેમણે સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર કંપની ‘ગ્લોબલસ્ટાર’ (Globalstar) ને અંદાજે ૧૧.૫૭ અબજ ડોલર (અંદાજે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) માં ખરીદી લેવાની જાહેરાત કરી છે. આ સોદા સાથે બેઝોસે સાબિત કરી દીધું છે કે તેઓ એલોન મસ્કની ‘સ્ટારલિંક’ ને બજારમાંથી હટાવવા માટે પૂરી તાકાત લગાવી દેશે.

આ ટેક-ઓવર બાદ હવે દુનિયાના ખૂણેખૂણે, જ્યાં કેબલ નથી પહોંચી શકતા ત્યાં બેઝોસના સેટેલાઈટ ઈન્ટરનેટ પહોંચાડવામાં આવશે. ટેક એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આ ખરીદીથી સેટેલાઈટ ફોન અને ડાયરેક્ટ-ટુ-સેલ સર્વિસમાં મોટી ક્રાંતિ આવશે. અત્યાર સુધી એલોન મસ્ક આ ક્ષેત્રમાં એકચક્રી શાસન ભોગવતા હતા, પણ હવે બેઝોસની એન્ટ્રીથી ગ્રાહકોને ફાયદો થશે કે નહીં તે જોવું રહ્યું. આ સોદાના સમાચાર વહેતા થતા જ ગ્લોબલસ્ટારના શેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

એમેઝોનના માલિક અને ત્રીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસે એમેજોન પ્રોજેક્ટ કાઈપર લોંચ કરીને સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઝંપલાવવાની જાહેરાત તો ઘણાં વર્ષો પહેલાં કરી હતી. એ પ્રોજેક્ટ એમેઝોન લીઓ નામથી રિલોંચ થયો હતો અને એમેઝોને ૧૦ અબજ ડોલરનું રોકાણ પણ મેળવી લીધું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે એમેઝોને ૩૨૦૦થી વધુ સેટેલાઈટ લોંચ કરવાની પરવાનગી મેળવી લીધી છે. એમેઝોનના સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસને આગળ વધારવા માટે હવે જેફ બેઝોસે આ ક્ષેત્રની મહત્ત્વની કંપની ગ્લોબલસ્ટારને ૧૧.૫૭ અબજ ડોલરમાં ખરીદી લીધી છે. આ રકમ ભારતના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિથી પણ વધારે છે. રૂપિયામાં ગણતરી કરીએ તો જેફ બેઝોસે જે રકમમાં ગ્લોબલસ્ટાર કંપની ખરીદી એ ૧૦ લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે.

ગ્લોબલસ્ટાર કંપનીની સ્થાપના ટેલિકોમ્યુનિકેશન કંપનીના રૂપમાં ૧૯૯૧માં થઈ હતી. એ પછી કંપનીએ સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. આ કંપનીના અત્યારે ૫૦ સેટેલાઈટ એક્ટિવ છે. ૪૮ સેટેલાઈટ લોંચ થવાના છે. સેટેલાઈટની સંખ્યાની દૃષ્ટિએ ઘણાં ઓછા છે, પરંતુ કંપનીનું સેટઅપ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તૈયારી માટે આ રકમ જેફ બેઝોસ આપશે.  આ કંપની બેથી ત્રણ સ્થળોએ તેના ઓપરેશન ચલાવે છે એ બધા એમેઝોનના કબજામાં આવશે. ૨૦૨૭માં જેફ બેઝોસને આ કંપનીનો કબજો મળશે. એમેઝોને જોકે એ સ્પષ્ટતા કરી નથી કે ગ્લોબલસ્ટાર એમેઝોન લીઓમાં મર્જ થશે કે પછી બંને કંપની જુદી જુદી રીતે કામ કરશે. ગ્લોબલસ્ટારમાં એપલની ૨૦ ટકા હિસ્સેદારી છે. એમેઝોને કહ્યું હતું કે તે એપલ સાથે મળીને કામ કરશે.

(5:34 PM IST)