<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વિશ્વભરના રાજકારણ, યુદ્ધ અને સંરક્ષણ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યા હોવાના નવા અંદાજથી ભારે હાહાકાર

રશિયાની સરકારી આંકડાકીય એજન્સી રોસસ્ટેટના લીક થયેલા ડેટા અને સ્વતંત્ર મીડિયાના વિશ્લેષણમાં મોટો ખુલાસો થતા આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ: નોંધાયેલા મૃત્યુ અને ગુમ થયેલા સૈનિકોને ગણતરીમાં લેતા આંકડો 7 લાખને પાર પહોંચ્યાના દાવા વચ્ચે યુદ્ધની ભયાનકતા પર નવેસરથી ચર્ચા

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લઈને એક અત્યંત હચમચાવી નાખનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યા હોવાના અંદાજ રજૂ થતા વૈશ્વિક સ્તરે ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
રશિયાએ તો યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનો સત્તાવાર આંકડો 5937 ગણાવ્યો છે. આ આંકડો સપ્ટેમ્બર 2022 પછી અપડેટ થયો નથી. સ્વતંત્ર રશિયન ઇન્વેસ્ટિગેટવ આઉટલેટ્સ મેડુઝા અને મીડિયાઝોનાએ રશિયન સ્ટેટ સર્વિસ રોસસ્ટેટમાંથી ચોરી છૂપીથી હાંસલ કરેલા આંકડામાં મૃત્યુઆંક લગભગ પાંચ લાખ નજીક એટલે કે 490000 જણાવાયો છે.
સંશોધકોએ વધારાની જાનહાનિનો અંદાજ કાઢવા માટે સ્ટેટિસ્ટિકલ મોડેલિંગનો ઉપયોગ કર્યો છે. આ ગણતરી મુજબ તેઓએ જણાવ્યું છે કે મોસ્કોએ યુક્રેન યુદ્ધમાં 7.20 લાખ જેટલા સૈનિકો ગુમાવ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પહેલી જ વખત આ પ્રકારનું વિશ્લેષણ પ્રકાશિત કર્યુ છે. તેણે જણાવ્યું છે કે તેણે સંશોધકોના આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નથી.
જો આ આંકડો સાચો હોય કે સત્યની નજીક પણ હોય તો રશિયન સોસાયટી પર તેની વ્યાપક અસર પડી શકે છે. આ અંદાજમાં ફક્ત જાનહાનિ એટલે કે મૃત્યુ પામનારાઓની જ ગણતરી કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત થયેલા અને કાયમ માટે અપંગ થયેલાની ગણતરી કરવામાં આવી નથી. હવે જો ઇજાગ્રસ્તો અને કાયમી અપંગ થયેલાઓને ગણીએ તો રશિયાને પડેલા ફટકાનો આંકડો 16 લાખ પર પહોંચે છે.
છેલ્લા બે મહિનામાં જ જોઈએ તો યુક્રેને રશિયાને જબરો ફટકો માર્યો છે. કીવના જણાવ્યા મુજબ એકલા ઓક્ટોબરમાં જ માર્યા ગયેલા કે ઇજા પામેલા રશિયન સૈનિકોની સંખ્યા 54400 થાય છે. આ આંકડો પુતિને યુદ્ધ શરૂ કર્યા પછીના કોઈપણ મહિનાનો સૌથી મોટો આંકડો છે. હવે યુક્રેનના લશ્કરમાં કેટલા મોટાપાયા પર જાનહાનિ થઈ છે, તેના આંકડા હજી મળ્યા નથી.

 

(5:39 PM IST)