<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર

દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા વધારા અને જળવાયુ પરિવર્તનના ગંભીર સંકટ વચ્ચે આયોજિત યુએન ક્લાઈમેટ સમિટ (COP31) નો અત્યંત ચોંકાવનારો અને નિરાશાજનક અંત આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે. ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી ચાલેલી આ હાઈ-પ્રોફાઈલ ક્લાઈમેટ સમિટ આખરે કોઈપણ નક્કર કરાર કે સમજૂતી વિના જ રદ કરી દેવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
સમિટના પ્રથમ ડ્રાફ્ટમાં ઊર્જા ક્ષેત્રમાંથી અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ તાત્કાલિક ઘટાડવાની વાત કરવામાં આવી હતી. જોકે, તેલ ઉત્પાદક દેશોના વિરોધ બાદ અંતિમ પ્રસ્તાવમાંથી અશ્મિભૂત ઇંધણનો સ્પષ્ટ ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો હતો. તેના બદલે ઓછા ઉત્સર્જન અને ક્લાઇમેટ રેઝિલિયન્સ તરફ વૈશ્વિક પરિવર્તનની વાત કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયન, બ્રિટન, નોર્વે, પનામા અને નાના ટાપુ દેશોએ આ પ્રસ્તાવને નબળો ગણાવી નકારી કાઢ્યો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના દેશો અને રશિયાએ અશ્મિભૂત ઇંધણ અંગે સ્પષ્ટ ભાષાનો વિરોધ કર્યો હતો.
વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલી નાણાકીય સહાય મળશે તે મુદ્દે પણ સહમતી બની નહોતી. ડ્રાફ્ટમાં 2030 સુધી વિકાસશીલ દેશોની જરૂરિયાત 5.1થી 6.8 ટ્રિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી, પરંતુ નવી નાણાકીય પ્રતિબદ્ધતા જાહેર થઈ નહોતી. કાર્બન કેપ્ચર ટેક્નોલોજી પર વધુ ભાર મૂકવા સામે પણ યુરોપિયન યુનિયને વાંધો ઉઠાવ્યો હતો. ભારત તરફથી પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ અમનદીપ ગર્ગે જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શનનો અમલ સમાનતા અને વિકસિત દેશોની સહાયના સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ.
મુખ્ય સમજૂતી નિષ્ફળ રહી હોવા છતાં જસ્ટ ટ્રાન્ઝિશન, એડેપ્ટેશન ફંડ અને ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન સહિતના કેટલાક મુદ્દાઓ પર અલગથી નિર્ણય લેવાયા હતા. હવે બાકી રહેલા મુદ્દાઓ પર જૂન 2027માં બોન ખાતે ચર્ચા થશે. ત્યારબાદ નવેમ્બર 2027માં ઇથિયોપિયાના અદિસ અબાબામાં COP32 યોજાશે. ક્લાઇમેટ ચેન્જ સામે વૈશ્વિક સહમતી બનાવવાનો પડકાર હવે આગામી સમિટ સામે રહેશે.

 

(6:03 PM IST)