<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

આકાશ વિજ્ઞાનનું મોટું આશ્ચર્ય: વાદળોનું વજન લાખો ટન હોવા છતાં આકાશમાં કેવી રીતે તકે છે? જમીન પર કેમ નથી પડતા?

વાદળો વાસ્તવમાં પાણીના અતિ સૂક્ષ્મ કણોની બનેલી વરાળ છે: હવાનો ઉપર તરફનો ધક્કો અને ઘનતાનું ગણિત લાખો ટનના વાદળોને આકાશમાં રાખે છે સ્થિર

નવી દિલ્હી:આપણે રોજ આકાશમાં જે સુંદર અને સફેદ વાદળો વહેતા જોઈએ છીએ, તેના વજન પાછળનું વિજ્ઞાન સાચે જ આશ્ચર્ય પમાડે તેવું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વાદળોમાં રહેલું લાખો ટન પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ છતાં નીચે નથી પડતું, જેની પાછળ મુખ્ય બે કુદરતી કારણો કામ કરે છે:

  • પાણીના કણોનું અતિ સૂક્ષ્મ કદ: વાદળ એ કોઈ પાણીનો એક આખો મોટો ટુકડો નથી, પરંતુ તે અબજો-ખરબો પાણીના અતિ નાના ટીપાં અને બરફના કણોનો સમૂહ છે. આ ટીપાં એટલા સૂક્ષ્મ હોય છે કે એક સામાન્ય વાળના ભાગ કરતાં પણ નાના હોય છે. આ નાના કદને કારણે તેમના પર ગુરુત્વાકર્ષણ બળની અસર બહુ જ ધીમી થાય છે.
  • હવાનો ઉપર તરફનો પ્રવાહ (Updraft): પૃથ્વીની સપાટી પર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે જમીન ગરમ થાય છે અને ત્યાંથી ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. આ ગરમ હવાનો ઉપર તરફનો પ્રવાહ એટલો મજબૂત હોય છે કે તે વાદળના આ અતિ સૂક્ષ્મ ટીપાંને નીચે પડવા દેતો નથી અને હવામાં જ અધ્ધર ટકાવી રાખે છે.
  • ક્યારે પડે છે વરસાદ?: જ્યારે વાદળની અંદર આ નાના-નાના ટીપાં એકબીજા સાથે અથડાઈને મોટા અને ભારે બની જાય છે, અને હવાનો ઉપર તરફનો પ્રવાહ તેનું વજન સહન નથી કરી શકતો, ત્યારે જ ગુરુત્વાકર્ષણ બળ જીતી જાય છે અને એ પાણી વરસાદના સ્વરૂપે જમીન પર તૂટી પડે છે.

આકાશમાં કોઈ પણ વાદળ કાયમ માટે ટકી શકતું નથી. જે નિયમ તેને તરતા શીખવે છે, તે જ નિયમ વરસાદનું કારણ પણ બને છે. વાદળની અંદર રહેલા નાના ટીપાં સતત એકબીજા સાથે અથડાતા રહે છે અને જોડાઈને મોટા થવા લાગે છે.

જ્યારે એક ટીપાનું કદ 10 માઇક્રોનથી વધીને 1 મિલિમીટર થઈ જાય છે, ત્યારે તેનું વજન 10 લાખ ગણું વધી જાય છે. આ મોટા કદના કારણે તેની ટર્મિનલ વેલોસિટી પણ અચાનક વધી જાય છે અને તે 1 સેન્ટીમીટરના બદલે પ્રતિ સેકન્ડ કેટલાય મીટરની ઝડપે નીચે પડવા લાગે છે. આ સ્થિતિમાં હવાનો અપડ્રાફ્ટ આ ભારે વજનને સહન કરી શકતો નથી અને અંતે તે શાંત દેખાતું વાદળ ભારે વરસાદમાં ફેરવાઈને જમીન પર વરસી પડે છે.

(5:22 PM IST)