<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મિડલ ઈસ્ટની ‘આગ’માં બાંગ્લાદેશ શેકાયું!: યુદ્ધના ભણકારે મોબાઇલ નેટવર્ક ઠપ થવાની ભીતિ:૧૭ કરોડ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થવાના એંધાણ

ડિજિટલ અંધકારનો ખતરો: દરિયાઈ સબમરીન કેબલ પર યુદ્ધની અસર પડતા ડેટા ટ્રાફિકિંગ ખોરવાયું:સોશિયલ મીડિયા અને ઓનલાઇન પેમેન્ટ બંધ થવાના ભયે લોકોમાં ફફડાટ:ટેલિકોમ કંપનીઓએ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જે રીતે યુદ્ધના વાદળો ઘેરાયા છે, તેની સીધી અને માઠી અસર છેક બાંગ્લાદેશના સામાન્ય નાગરિકો પર પડવા લાગી છે. પશ્ચિમ એશિયામાં દરિયાઈ માર્ગે પસાર થતા સબમરીન કેબલ્સ (જેનાથી ઈન્ટરનેટ ચાલે છે) જો જોખમમાં મૂકાય, તો બાંગ્લાદેશનું સમગ્ર મોબાઈલ અને ઈન્ટરનેટ નેટવર્ક ધરાશાયી થઈ શકે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે.
બાંગ્લાદેશ તેની તેલ અને ગેસની જરૂરિયાત માટે 95% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે મિડલ ઈસ્ટથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટ બંધ થતાં બાંગ્લાદેશમાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા ડિઝલના ભાવમાં 15%નો વધારો કરવા છતાં સ્થિતિ સુધરી રહી નથી.
બાંગ્લાદેશના મોબાઇલ ટેલિકોમ ઓપરેટર્સના સંગઠને(AMTOB) ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ડિઝલ નહીં મળે તો આખું નેટવર્ક ઠપ થઈ જશે. વીજળી કાપ દરમિયાન નેટવર્ક ટાવર અને ડેટા સેન્ટર્સ ચલાવવા માટે ડિઝલ જનરેટરનો ઉપયોગ થાય છે. એક ડેટા સેન્ટર દર કલાકે 500થી 600 લીટર ડિઝલ વાપરે છે. અત્યારે બાંગ્લાદેશમાં રોજનો 5થી 8 કલાકનો પાવર કટ ચાલી રહ્યો છે. જો ડેટા સેન્ટર્સ બંધ થશે તો તેની સાંકળ જેવી અસર આખા દેશ પર પડશે. મોબાઇલ ફાયનાન્શિયલ સર્વિસ (MFS) અને SMS બૅન્કિંગ સંપૂર્ણ બંધ થઈ શકે છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા ગાર્મેન્ટ સેક્ટરમાં ઉત્પાદન પહેલા જ 30% ઘટી ગયું છે. કૉલિંગ અને ડેટા સુવિધા બંધ થવાથી 17 કરોડ લોકોનો સંપર્ક દુનિયાથી તૂટી જશે.

 

(5:51 PM IST)