<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ઈરાન સંકટ શાંત થતાં જ એશિયામાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા: ચીને તાઇવાનને ચારેય તરફથી સમુદ્રમાં ઘેર્યું: ડ્રેગને શરૂ કરી લોખંડી લશ્કરી ઘેરાબંધી, ગમે ત્યારે હુમલો થવાની આશંકાથી આખી દુનિયા સ્તબ્ધ

પેસિફિક મહાસાગરમાં ચીની યુદ્ધજહાજો અને ફાઇટર જેટ્સના તોતિંગ કાફલા તહેનાત: અમેરિકાએ પરમાણુ સબમરીન રવાના કરી: ગ્લોબલ સપ્લાય ચેઇન અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર મોટું જોખમ મંડરાયું

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં મહાસત્તાઓ વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ શાંત થતાંની સાથે જ ચીને પૂર્વ એશિયામાં મોકો જોઈને તાઇવાન પર લશ્કરી સકંજો કસવાનું શરૂ કરી દીધું હોવાના અત્યંત ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી એનાલિસિસ અને મિલિટરી ડેસ્ક રિપોર્ટ મુજબ, ચીની સેનાએ તાઇવાન ટાપુની આસપાસ સમુદ્રમાં અભૂતપૂર્વ ઘેરાબંધી (Naval and Air Blockade) શરૂ કરી દીધી છે. ડ્રેગનના ડઝનબંધ વિનાશક યુદ્ધજહાજો, મિસાઇલ સબમરીન અને સેંકડો લડાકુ વિમાનોએ તાઇવાનના એર ડિફેન્સ ઝોન અને દરિયાઈ સરહદોને બંધ કરી દીધી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીન લશ્કરી કવાયતના નામે તાઇવાન પર સીધા આક્રમણની અથવા તેને આર્થિક રીતે પાયમાલ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તાઇવાન સરકારે પણ પોતાની સેનાને હાઇ એલર્ટ પર મૂકી દીધી છે અને નાગરિકોને એર-રેડ શેલ્ટર્સ તૈયાર રાખવા આદેશ આપ્યા છે.

ચીને તાઇવાનને અચાનક નથી ઘેર્યું, પરંતુ ધીમે-ધીમે પોતાની સૈન્ય હાજરી વધારી છે. વર્ષ 2020માં ચીને તાઇવાન સ્ટ્રેટમાં એક યુદ્ધ જહાજની નિયમિત પેટ્રોલિંગ શરૂ કરી હતી. તેની સાથે જ તાઇવાનના ઉત્તર અને દક્ષિણ તટ પાસે વધુ બે જહાજો તહેનાત કરવામાં આવ્યા. ત્યારબાદ, વર્ષ 2022માં ચોથું યુદ્ધ જહાજ તાઇવાનના પૂર્વી તટ પર તહેનાત કરી દેવામાં આવ્યું, જેનાથી ચીનની નૌસેનાની હાજરી ત્યાં કાયમી બની ગઈ. 

વર્ષ 2024થી અત્યાર સુધીમાં ચીને પૂર્વી ક્ષેત્રમાં પાંચમા અને છઠ્ઠા યુદ્ધ જહાજને પણ નિયમિત રીતે તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. હવે સામાન્ય દિવસોમાં પણ તાઇવાનની આસપાસ 5થી 6 ચીની યુદ્ધ જહાજ હાજર રહે છે અને કોઈ વિશેષ ઓપરેશન કે તણાવ દરમિયાન આ સંખ્યા હજુ વધી જાય છે.

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ચીન માત્ર શક્તિ પ્રદર્શન નથી કરી રહ્યું, પરંતુ સંભવિત યુદ્ધની તૈયારીઓ પણ કરી રહ્યું છે. પહેલા ચીન પેટ્રોલિંગ કરવા માટે નાના યુદ્ધ જહાજનો ઉપયોગ કરતું હતું, પરંતુ હવે તેની જગ્યાએ મોટા અને અત્યાધુનિક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર તહેનાત કરવામાં આવી રહ્યા છે. ચીનની નૌસેના પાસે હાલમાં આવા 48 ડિસ્ટ્રોયર ઉપલબ્ધ છે. તાઇવાનના પૂર્વી તટ પાસે સતત હાજર રહીને ચીન સમુદ્રની ઊંડાઈ અને તે વિસ્તારનો નકશો તૈયાર કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં દુશ્મનની સબમરીન ક્યાં છુપાઈ શકે છે તેની માહિતી મેળવી શકાય. આ સાથે જ ચીન તાઇવાનની સેનાની ગતિવિધિઓ, તેમની સંચાર વ્યવસ્થા અને સૈનિકોની તહેનાતી પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.

(5:29 PM IST)