<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

મેટામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કાળો કેર: પ્રસૂતિની રજા પર ગયેલી મહિલાઓને AI એ નોકરીમાંથી તારવીને કાઢી મૂકી: સિલિકોન વેલીમાં ભારે હોબાળો

માણસ વિનાના નિર્ણયોનું ભયાનક પરિણામ: રજા પર ઉતરેલા એન્જિનિયરોને રાત્રિના સમયે મેઇલ આપી એક્સેસ બંધ કરી દેવાયા: સોશિયલ મીડિયા પર આક્રોશ

નવી દિલ્હી: ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે કે મધ્યમવર્ગીય પરિવારોની રોજીરોટી છીનવવા માટે, તે અંગેની ચર્ચા સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા' (ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની) ના એક પગલાથી ફરી શરૂ થઈ છે. વૈશ્વિક રિપોર્ટ્સ અનુસાર, કંપનીમાં તાજેતરમાં થયેલી ગુપ્ત છટણી દરમિયાન હ્યુમન રિસોર્સ (HR) વિભાગના બદલે એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અલ્ગોરિધમ એવા કર્મચારીઓને શોર્ટલિસ્ટ કર્યા જેમની પ્રોડક્ટિવિટી છેલ્લા કેટલાક સમયથી પ્રોજેક્ટ પર ઝીરો દેખાતી હતી. પરંતુ, એઆઇ એ એ ન જોયું કે આ કર્મચારીઓ કોઈ આળસના કારણે નહીં, પરંતુ કાયદેસરની મેટરનિટી (Maternity) કે સિક લીવ (Sick Leave) પર હોવાથી સિસ્ટમમાં ગેરહાજર હતા.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સાથે જોડાયેલી માર્ક ઝુકરબર્ગની કંપની મેટા સામે અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ફેડરલ કોર્ટમાં કંપનીના જ પૂર્વ અને વર્તમાન કર્મચારીઓને ભેદભાવના દાવા સાથે અરજી કરી છે. કર્મચારીઓનો આરોપ છે કે મેટા કંપની છટણી માટે કર્મચારીઓની પસંદગી કરવા એઆઇનો ઉપયોગ કરી છે, જેમાં એવા કર્મચારીઓને વિશેષ ટાર્ગેટ કરવામાં આવે છે કે જેઓએ ઇમર્જન્સી અથવા મેડિકલ કારણોસર રજા લીધી હોય. મેટા આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. મેટા સામે કોર્ટમાં ફરિયાદ કરનારા કર્મચારીઓમાં એવા પણ સામેલ છે કે જેઓએ મેટરનિટી, સ્વાસ્થ્ય સંબંધી રજાઓ લીધી હતી, રજાના આ સમયગાળા દરમિયાન તેઓ કામ નહોતા કરી શક્યા તેથી તેમનો કામકાજનો રિપોર્ટ તૈયાર કરાયો તેમાં તેમને નબળા દર્શાવવામાં આવ્યા. કેટલાક કર્મચારીઓ એવા છે કે જેમનું સ્વાસ્થ્ય બહુ જ ખરાબ હતું અને રજા લીધી હતી. આ રજાઓ મેટાએ ખુદ મંજૂર કરી હતી. એક કર્મચારીનો દાવો હતો કે તે દિવ્યાંગ હોવા છતા તેના માટે મેટા દ્વારા યોગ્ય વ્યવસ્થા નહોતી કરવામાં આવી. જે પણ કર્મચારીઓએ મેટા સામે કેસ કર્યો છે તેમાંથી મોટાભાગના એવા છે કે જેમણે મેટરનિટી લીવ લીધી હતી. જેમાં મહિલાઓ વધુ છે. મેટાએ આવા લોકોને ટાર્ગેટ કરીને અમેરિકાના કાયદાઓનો ભંગ કર્યો છે જેમાં ફેમિલી એન્ડ મેડિકલ લીવ એક્ટ, અમેરિકન્સ ડિસએબિલિટી એક્ટ, પ્રસુતિ સાથે સંકળાયેલા ભેદભાવનો કાયદો, ગર્ભવતી કર્મચારીઓ માટેના કાયદાઓનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(5:44 PM IST)