News of Friday, 3rd July 2026
એપલનો ઓનલાઈન સ્કેમર્સ સામે જોરદાર માસ્ટરસ્ટ્રોક: નવું iOS 27 આઈફોન યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચાવશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી શંકાસ્પદ લિંક: મેસેજ અને ફેક કોલને રિયલ ટાઈમમાં પકડી પાડશે નવું આઈફોન સોફ્ટવેર: યુઝર્સના બેંક ખાતા સદંતર સુરક્ષિત રહેશે

નવી દિલ્હી :ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન શોપિંગના વધતા વ્યાપ વચ્ચે સતત વધી રહેલા સાયબર ક્રાઈમના ગ્રાફને રોકવા માટે દુનિયાની દિગ્ગજ ટેક કંપની એપલે (Apple) એક ક્રાંતિકારી જાહેરાત કરી છે. એપલ દ્વારા ટૂંક સમયમાં લોન્ચ થનારા તેના આગામી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ iOS 27 માં એક એવું એડવાન્સ સિક્યોરિટી ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે, જે યુઝર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે કે નહીં તે લાઈવ ટ્રેક કરીને ઓળખી લેશે. આ ફીચર યુઝર્સને સ્કેમર્સની જાળમાં ફસાતા પહેલાં જ મોટું એલર્ટ આપીને સાવચેત કરી દેશે.
- એડવાન્સ AI ડિટેક્શન: આ સોફ્ટવેર બેકગ્રાઉન્ડમાં રહીને આઈફોન પર આવતા શંકાસ્પદ મેસેજ, ફિશિંગ લિંક્સ અને ફેક કસ્ટમર કેર કોલ્સની પેટર્નને સ્કેન કરશે. જો કોઈ યુઝર ભૂલથી પણ ફેક વેબસાઈટ પર પોતાની બેંકિંગ વિગતો નાખવાનો પ્રયાસ કરશે, તો આઈફોન તરત જ સ્ક્રીન બ્લોક કરીને ચેતવણી આપશે.
- ડેટા પ્રાઈવસી પણ અકબંધ: એપલે સ્પષ્ટ કર્યું છે કે આ સિક્યોરિટી પ્રોસેસ સંપૂર્ણપણે ઓન-ડિવાઈસ (ફોનની અંદર જ) થશે, એટલે કે યુઝરનો કોઈ પણ પર્સનલ ડેટા કે ચેટ્સ કંપનીના સર્વર પર મોકલવામાં નહીં આવે.
- નવા આઈફોન મોડલ્સમાં મળશે લાભ: આ ફીચર આ વર્ષે લોન્ચ થનારા આઈફોન મોડલ્સ અને અગાઉના પ્રીમિયમ આઈફોન યુઝર્સને સોફ્ટવેર અપડેટ દ્વારા મફતમાં આપવામાં આવશે.
એકવાર સંભવિત ફ્રોડ અથવા સ્કેમની ભાળ મળ્યા પછી, આ ફ્રેમવર્ક જે-તે એપને સુરક્ષાત્મક પગલાં લેવાની મંજૂરી આપશે. ઉદાહરણ તરીકે, એપ યુઝરને સ્ક્રીન પર ચેતવણી બતાવી શકે છે, ટ્રાન્ઝેક્શન પ્રોસેસમાં થોડો સમયગાળો ઉમેરી શકે છે અથવા વધારાના વેરિફિકેશન સ્ટેપ્સ ફરજિયાત બનાવી શકે છે.
એપલે યુઝર્સની પ્રાઇવસી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ ફીચર યુઝર્સના ફોટોઝ, મેસેજીસ કે મેઈલના પર્સનલ કન્ટેન્ટને બિલકુલ જોશે નહીં. તે માત્ર ડિવાઇસ પર થતા બિહેવિયરલ સિગ્નલ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ડેટા પ્રોસેસ થયા બાદ એપલના સર્વર પર માત્ર 1 જ વેલ્યુ મોકલવામાં આવશે અને બાકીનો મૂળ ડેટા તરત જ ડિલીટ કરી દેવામાં આવશે.યુઝર્સ જો ઈચ્છે તો સેટિંગ્સમાં જઈને આ ફીચરને ડિસેબલ પણ કરી શકે છે. જોકે, એપલે ચેતવણી આપી છે કે આ ફીચર બંધ કરતી વખતે એક 'કૂલડાઉન પીરિયડ'નો સામનો કરવો પડી શકે છે. આવું એટલા માટે રાખવામાં આવ્યું છે જેથી જો કોઈ સ્કેમર યુઝરને દબાણપૂર્વક આ સિક્યોરિટી ફીચર બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો યુઝરને વિચારવાનો સમય મળી રહે અને સ્કેમથી બચી શકાય.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
