News of Tuesday, 17th November 2026
અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં માનવજાતની અકલ્પનીય અને ઐતિહાસિક છલાંગ: નાસાનું 'વોયેજર-૧' પૃથ્વીથી ૨૫.૯ અબજ કિલોમીટરના અવિશ્વસનીય અંતરે પહોંચનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત યંત્ર બનશે:સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્તબ્ધ
દાયકાઓથી અનંત બ્રહ્માંડના અંધકારને ચીરીને આગળ વધી રહેલા યાને રચ્યો નવો વિશ્વવિક્રમ:આટલા દૂરના અંતરેથી પણ પૃથ્વી પર સંદેશા મોકલતા વોયેજર-૧ ની અદભુત ક્ષમતા જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા

નવી દિલ્હી:અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં એક એવો સુવર્ણ અને સનસનાટીભર્યો અધ્યાય લખાવા જઈ રહ્યો છે, જેની કલ્પના માત્રથી જ દરેક માનવીની છાતી ગર્વથી ફૂલી જાય છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) નું ઐતિહાસિક અંતરિક્ષ યાન 'વોયેજર-૧' (Voyager 1) હવે પૃથ્વીથી અંદાજે ૨૫.૯ અબજ કિલોમીટર (એક લાઈટ-ડે) ના અકલ્પનીય અંતરે પહોંચનારું મનુષ્ય દ્વારા બનાવેલું વિશ્વનું સૌથી પહેલું યંત્ર બનવા જઈ રહ્યું છે. આ સમાચાર સામે આવતા જ સમગ્ર વિશ્વના અંતરિક્ષ વૈજ્ઞાનિકો અને ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ, રોમાંચ અને ખળભળાટ મચી ગયો છે.
વન લાઇટ ડે એટલે પ્રકાશનું કિરણ ૨૪ કલાકમાં ૨૫.૯ અબજનું કલ્પનાતીત કહી શકાય તેટલું અંતર કાપે છે તેટલું અંતર. માનવી દ્વારા બનાવવામાં આવેલું કોઇ યંત્ર કે સાધન અફાટ, અનંત અંતરિક્ષમાં હજી સુધી ૨૫.૯ અબજના અંતરે પહોંચ્યું નથી. આ ઉજળી, ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા માટે નાસાએ ૧૭, નવેમ્બરે આખા અમેરિકાની જનતાને હાર્દિક આમંત્રણ આપ્યું છે. નાસાએ અ ઉજવણીનું નામ: શાઇન બ્રાઇટ ફોર વોયેજર્સ લાઇટ ડે : આપ્યું છે. નાસાના વિજ્ઞાનીઓ ૧૭, નવેમ્બરે સૂર્યાસ્તબાદ નાસાની વેબ સાઇટ દ્વારા : મોર્સ કોડ દ્વારા વીજીઆર : વેવ ઓફ ગોલ્ડન લાઇટ મોકલશે. નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે અમારા વાયેજર -૧ અવકાશયાનને ૧૯૭૭ની ૫, સપ્ટેમ્બરે સૂર્ય મંડળના સૌથી મોટા-મહાકાય ગુરુ અને પાઘડીધારી શનિ ગ્રહોનો સંશોધનાત્મક અભ્યાસ કરવા તરતું મૂક્યું છે. હાલ અમારું વોયેજર -૧ અવકાશયાન છેલ્લાં ૪૯ વર્ષથી અફાટ,અનંત અંતરિક્ષમાં સતત પ્રવાસ કરીને આપણા સૂર્યમંડળની સરહદ બહાર( સૂર્યમંડળની સરહદ બહારના અંતરિક્ષને ખગોળશાસ્ત્રની ભાષામા ં ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવાય છે) નીકળી ગયું છે. ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનારું વોયેજર -૧ અવકાશયાન પહેલું છે. ખાસ કરીને માનવી દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ યંત્ર છે. ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે આપણા સૂર્ય મંડળની સરહદ બહારનો વિસ્તાર. આ વિસ્તારમાં સૂર્યનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર(મેગ્નેટિક ફિલ્ડ) અને સોલાર વિન્ડ્ઝ(સૌર પવનો) ની અસર અફાટ, અનંત અંતરિક્ષમાંની ગેલેક્સીઝ (આકાશ ગંગા) પર નથી થતી.ઉપરાંત, વોયેજર -૧ અવકાશયાન હેલિયોપોઝ વિસ્તારમાં પણ પહોંચી ગયું છે, જે પૃથ્વીથી લગભગ૧૧ થી ૧૮ અબજ માઇલ્સ( ૧૨૦ એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ) ના અતિ અતિ દૂરના અંતરે છે. નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે વોયેજર -૧ અવકાશયાન ૨૦૨૬ની ૧૮, નવેમ્બરે ,બુધવારે, સાંજે ૫ :૧૬ : ૦૭ વાગે(ભારતીય સમય) વન લાઇટ ડે ના અંતરે પહોંચી જશે. સરળ રીતે સમજીએ તો પૃથ્વીથી ૨૫.૯ અબજ કિલોમીટરના અફાટ અંતરે પહોંચી જશે. હાલ પૃથ્વી પરથી મોકલવામાં આવતો સંદેશો વોયેજર -૧ અવકાશયાન સુધી પહોંચતાં બરાબર ૨૪ કલાક થાય છે. બીજીબાજુ વોયેજર -૧ અવકાશયાન દ્વારા મોકલવામાં આવતી માહિતી પણ પૃથ્વી પર પહાાંચતાં ૨૪ કલાક થાય છે. ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.- મુંબઇ) ના સિનિયર ખગોળશાસ્ત્રી અને હાલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(મોહાલી) ના સિનિયર વિજ્ઞાની ડો. કે.પી. સિંહે તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે નાસાના વોયેજર -૧ અવકાશયાને ખરેખર અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં અદભુત અને યાદગાર કામગીરી કરી છે. આશ્ચર્યની બાબત તો એ છે કે નાસાએ આજથી ૪૯ વર્ષ પહેલાં વોયેજર -૧ અવકાશયાનમાં ગોઠવેલાં વૈજ્ઞાનિક ઉપકરણો હજી સુધી કાર્યરત છે. આટલી જૂની ટેકનોલોજી ૪૯ વર્ષ સુધી ટકી રહે એ જ સૌથી મોટું આશ્ચર્ય અને ગૌરવ છે. માઇલ સ્ટોન છે. આજે લગભગ પાંચ દાયકાના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટર, ચીપ્સ, સંદેશા વ્યવહારના ટેકનોલોજી વગેરે બધું આધુનિક થઇ ગયું છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
