<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

દક્ષિણ અમેરિકાના પેરુમાં ૫.૫ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતાં ભારે તારાજી: મકાનો ધરાશાયી થતાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત, ૩૦૦થી વધુ નાગરિકો બેઘર

ભૂકંપના જોરદાર આંચકાથી અનેક રહેણાંક ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી: કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા પેરુ દેશમાં મોડી રાત્રે અચાનક ૫.૫ની તીવ્રતાના ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાતાં ભારે વિનાશ સર્જાયો હોવાના અને આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં અંદાજે ૫ જેટલા કમનસીબ નાગરિકોના મોત નીપજ્યા હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે; સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર ઓછી ઊંડાઈએ હોવાના કારણે આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી, જેના લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડઝનબંધ કાચા-પાકા મકાનો અને દિવાલો ધરાશાયી થઈ ગઈ છે જેમાં દબાઈ જવાથી અનેક લોકો ઘાયલ થયા છે અને અંદાજે ૩૦૦થી વધુ પરિવારોએ પોતાના આશરા ગુમાવી ખુલ્લા આકાશ નીચે આવવાની નોબત આવી છે, આ ભયાનક આપત્તિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ તુરંત ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે અને અસરગ્રસ્તો માટે કામચલાઉ ટેન્ટ તેમજ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે.

પેરુના એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. અધિકારીઓએ રવિવારે આપેલી માહિતી અનુસાર, આ કુદરતી આપત્તિમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના કારણે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને હાલમાં 300થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. યુએસ જિઓલોજિકલ સર્વે (USGS)ના રિપોર્ટ પ્રમાણે, શનિવારે રાત્રે 9:24 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હુઆનકાયો પ્રાંતના સિકાયા શહેરથી બે કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછા ઊંડાણને કારણે ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્ર અને વિનાશક સાબિત થયા હતા. પેરુની નેશનલ સિવિલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે, ભૂકંપના કારણે વિસ્તારની અનેક ઇમારત અને સ્થાનિક ચર્ચ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે અથવા તેમને મોટું નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં હજુ પણ કેટલા લોકો ગુમ છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી, જેથી બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

(5:52 PM IST)