<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

દરિયાના પેટાળમાંથી બહાર આવ્યું નવું સંકટ: સમુદ્રમાંથી હવામાં ઉડતી અજાણી વસ્તુઓ (USO) થી અમેરિકા સ્તબ્ધ

એલિયન્સનું નવું સરનામું સમુદ્ર?: એક-બે નહીં, પૂરા ૯૦૦૦ રહસ્યમય USO રિપોર્ટ સામે આવતા પેન્ટાગોનમાં દોડધામ:નૌસેનાના સબમરીન કમાન્ડરોએ જોયા દરિયાઈ કરિશ્મા:અમેરિકી સંરક્ષણ મંત્રાલયે તપાસ તેજ કરી

નવી દિલ્હી: અત્યાર સુધી દુનિયા જેને આકાશમાં જોતી હતી, તે પરગ્રહવાસીઓ કે અતિ-આધુનિક ટેકનોલોજી હવે સમુદ્રના ઊંડા પાણીમાં છુપાયેલી હોવાના સનસનાટીપૂર્ણ સંકેતો મળી રહ્યા છે. અમેરિકાની નૌસેના (US Navy) અને ગુપ્તચર એજન્સીઓ સમક્ષ સમુદ્રની અંદરથી અચાનક હવામાં પૂરપાટ ઝડપે ઉડી જતી રહસ્યમય વસ્તુઓ એટલે કે USO ના આશરે ૯૦૦૦ જેટલા સત્તાવાર અને બિનસત્તાવાર રિપોર્ટ્સ આવતા અમેરિકન ડિફેન્સ સેક્ટરમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપી ગયા છે.
UFO એટલે Unidentified Flying Objects એટલે કે આકાશમાં દેખાતી અજાણી ઉડતી વસ્તુઓ. પાણીની અંદર દેખાતી આ પ્રકારની અજાણી વસ્તુઓને USO (Unidentified Submersible Objects) કહેવામાં આવે છે. એટલે એવી કોઈ પણ વસ્તુ જેને પાણીની અંદર જોવામાં આવે પરંતુ તરત ઓળખી ન શકાય. આ વસ્તુઓને નરી આંખે અથવા સેન્સર દ્વારા જોવામાં આવી શકે છે. કેટલાક રિપોર્ટ મુજબ આ વસ્તુઓ ખૂબ જ ઝડપથી ચાલે છે, અચાનક દિશા બદલે છે અને પાણીમાંથી હવામાં કોઈ અવરોધ વગર બહાર આવી જાય છે. આવી ક્ષમતાને “ટ્રાન્સમિડિયમ” કહેવાય છે, એટલે કે હવા અને પાણી બંનેમાં સરળતાથી ગતિ કરવાની શક્તિ.
એનિગ્મા એપ 2022થી UFO સંબંધિત માહિતીનો મોટો ડેટાબેસ તૈયાર કરી રહી છે. અત્યાર સુધી આ એપ પર લગભગ 30,000 UFO સાઇટિંગ્સ નોંધાઈ ચૂકી છે. જોકે ઓગસ્ટ 2025 પછી લોકોનું ધ્યાન આકાશથી હટીને સમુદ્ર તરફ ગયું છે. માત્ર ઓગસ્ટથી અત્યાર સુધી અમેરિકાના દરિયાકાંઠાના લગભગ 16 કિલોમીટર વિસ્તારમાં 9000થી વધુ USO રિપોર્ટ નોંધાયા છે.
તેમાંથી લગભગ 500 સાઇટિંગ્સ દરિયાકાંઠાથી માત્ર 8 કિલોમીટર અંદર નોંધાઈ હતી. સૌથી વધુ કેસ કેલિફોર્નિયામાં નોંધાયા છે, જ્યાં 389 ઘટનાઓ સામે આવી છે. ફ્લોરિડામાં 306 કેસ નોંધાયા છે. અમેરિકાના અનેક દરિયાકાંઠા વિસ્તારોમાં આવી વસ્તુઓના “ક્લસ્ટર” જોવા મળ્યા છે.
નિવૃત્ત રિયર એડમિરલ ટિમ ગેલોડેટે ચેતવણી આપી છે કે આવી વસ્તુઓ અમેરિકાની સમુદ્રી સુરક્ષા માટે જોખમ બની શકે છે. તેમણે 2019ના એક વીડિયોની ચર્ચા કરી હતી જેમાં એક અજાણી વસ્તુ USS Omaha નામના જહાજની નજીકથી પસાર થઈને પ્રશાંત મહાસાગરમાં ગાયબ થઈ ગઈ હતી.
તેમના કહેવા મુજબ પાઇલોટ્સ અને સૈનિક સાધનોએ એવી વસ્તુઓ રેકોર્ડ કરી છે જે માનવ ટેકનોલોજીની સીમાથી ઘણી આગળ છે. તેમણે સરકાર પર આ મામલે સંપૂર્ણ માહિતી જાહેર ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

 

 

(6:13 PM IST)