તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ખાડી યુદ્ધમાં નવો ફણગો ફૂટ્યો: કાસ્પિયન સમુદ્રમાં ઈરાનના જહાજ પર યુક્રેનનો સનસનાટીભર્યો હુમલો
વૈશ્વિક રાજકારણ અને યુદ્ધ મોરચે તણાવ ચરમસીમાએ: દરિયાઈ માર્ગે સૈન્ય પુરવઠો રોકવા યુક્રેન દ્વારા મોટો પ્રહાર કરાયાનો દાવો

નવી દિલ્હી: મધ્ય પૂર્વ અને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હવે વૈશ્વિક તણાવ વધારતી વધુ એક આંચકાજનક ઘટના સામે આવી છે; ખાડી યુદ્ધના વાતાવરણ વચ્ચે કાસ્પિયન સમુદ્રમાં ઈરાનના એક જહાજ પર યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ફણગો ફૂટ્યો છે; પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈરાન દ્વારા રશિયાને લશ્કરી મદદ અને સામગ્રી પહોંચાડવામાં આવી રહી હોવાની આશંકા વચ્ચે યુક્રેની દળોએ કાસ્પિયન સમુદ્રના જળવિસ્તારમાં ઈરાની જહાજને નિશાન બનાવ્યું હતું; આ અચાનક થયેલા હુમલા બાદ જહાજને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે; ઘટનાને પગલે ઈરાન અને રશિયાના લશ્કરી વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કાસ્પિયન સમુદ્ર જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં યુદ્ધનો વ્યાપ વધતાં વૈશ્વિક સ્તરે સુરક્ષા અને સપ્લાય ચેઈન ખોરવાવાની ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
ઇરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે યુક્રેનના હુમલામાં ઇરાનના ખલાસીનું મોત થયું છે. આ હુમલો યુએન ચાર્ટરનો ભંગ છે અને ઇઝરાયેલ દ્વારા યુરોપને યુદ્ધમાં ઘસડી લાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલા માટે સ્પષ્ટપણે ઇઝરાયેલનો દોરીસંચાર છે. ઇઝરાયેલ યુરોપને યુદ્ધમાં ઢસડી લાવવા માટે ઉશ્કેરી રહ્યું છે. તેમણે આ વાત યુરોપીયન વિદેશ નીતિના વડા કેજા કલ્લાસ અને રશિયાના વિદેશપ્રધાન લાવરોવ સાથેની વાતચીત દરમિયાન જણાવી હતી. સાઉદી અરેબિયાની અરામ્કોની સૌથી મોટી અબકૈક રીફાઇનરી અને ઇસ્ટ-વેસ્ટ પંપિંગ સ્ટેશન પર ડ્રોનના હુમલા પછી ભીષણ આગ લાગી ગઈ. આ હુમલાના લીધે વિશ્વની સૌથી મોટી ઓઇલ પ્રોસેસિંગ સાઇટમાંથી એકને ફટકો પડયો છે. અહીં વિશ્વના કુલ ઓઇલ સપ્લાયના પાંચથી સાત ટકાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. અમેરિકાએ અત્યારે તો ઇરાન પર હુમલા બંધ કરી દીધા છે તેવું જાણવા મળ્યું છે કે મિસાઇલ્સની ઘટને કારણે ઉપપ્રમુખ જે.ડી. વાન્સે ટ્રમ્પને તે માટે સમજાવી દીધા હતા. પરંતુ હવે આ યુધ્ધમાં રશિયા-યુક્રેનની એન્ટ્રી થઈ ચુકી છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે, કાસ્પીયન સી-માં રશિયામાંથી ઇરાન તરફ શસ્ત્ર સરંજામ લઇ જતાં એક ઇરાની જહાજ ઉપર યુક્રેને મિસાઇલ હુમલો કર્યો હતો. આ પૂર્વે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું હતું કે, ઇરાન શસ્ત્ર સરંજામ લઇ જતાં ઇરાનનાં એક જહાજ ઉપર યુક્રેને લાંબા અંતરના એક મિસાઇલથી હુમલો કર્યો હતો.આ સાથે હવે યુધ્ધનો વ્યાપ માત્ર એશિયા કે અમેરિકા પૂરતો જ મર્યાદિત ન રહેતાં યુરોપમાં પણ પહોંચી ગયો છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
