News of Wednesday, 4th November 2026
૬૦ વર્ષના વ્યક્તિએ એક વર્ષમાં જોઈ ૧,૨૦૭ ફિલ્મો!
અમેરિકાના ૬૦-વર્ષીય ગ્લેનવુડ હોસ્કિન જુનિયરે શોખને અનોખા વર્લ્ડ રેકોર્ડમાં ફેરવી દીધોઃ સિનેમાઘરને જ બનાવી દીધું બીજું ઘર : સવારે થિયેટર પહોંચતા અને મોડી રાત સુધી ફિલ્મો જોતાઃ એનિમેશન અને કોમેડી ફિલ્મો હતી સૌથી પસંદગીની

પેન્સિલવેનિયા,તા.૪: સામાન્ય રીતે લોકો વીકએન્ડમાં એકાદ કે બે ફિલ્મો જોઈને મનોરંજન માણતા હોય છે, પરંતુ અમેરિકાના એક ૬૦ વર્ષીય વ્યક્તિએ ફિલ્મો જોવાના શોખને જ એક અનોખા રેકોર્ડમાં ફેરવી દીધો છે. પેન્સિલવેનિયાના નિવૃત્ત ટેક્સ ઓફિસર ગ્લેનવુડ હોસ્કિન જુનિયરએ એક વર્ષમાં સિનેમાઘરમાં બેસીને કુલ ૧,૨૦૭ ફિલ્મો જોઈને Guinness World Record પોતાના નામે કર્યો છે. ખાસ વાત એ છે કે તેમણે આ સિદ્ધિ મેળવવા માટે દરરોજ કલાકો સુધી થિયેટરમાં સમય પસાર કર્યો હતો. તેમનો આ અનોખો પ્રયાસ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
Guinness World Recordsના અહેવાલ પ્રમાણે, ગ્લેનવુડને જ્યારે ઇન્ટરનેટ પર સૌથી વધુ ફિલ્મો જોવાનો વર્લ્ડ રેકોર્ડ હોવાની જાણ થઈ ત્યારે તેમણે પણ આ પડકાર સ્વીકારવાનું નક્કી કર્યું. ત્યારબાદ પેન્સિલવેનિયાના Regal Cinemaને તેમણે પોતાનું બીજું ઘર બનાવી દીધું. તેમનો રોજનો સમય નક્કી હતો. તેઓ સવારે વહેલી તકે સિનેમાઘર પહોંચી જતા અને ઘણી વખત રાતના ૧૨ વાગ્યા સુધી એક પછી એક ફિલ્મો જોતા રહેતા હતા. તેમણે વસંતઋતુમાં આ સફરની શરૂઆત કરી હતી, જેથી શિયાળામાં વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીથી બચી શકાય. જોકે, એકવાર આ પડકાર શરૂ કર્યા પછી તેમણે પાછળ વળીને જોયું નહીં અને ધીમે ધીમે ફિલ્મોનો આંકડો વધારતા ગયા.
એક વર્ષમાં ૧,૨૦૦થી વધુ ફિલ્મો જોવા માટે હજારો ડોલર ખર્ચાયા હશે તેવું લાગી શકે છે. પરંતુ ગ્લેનવુડે આ માટે એક ખાસ રીત અપનાવી હતી. દરેક ફિલ્મની અલગ ટિકિટ ખરીદવાને બદલે તેમણે Regal Cinemaનું અનલિમિટેડ સબ્સ્ક્રિપ્શન લીધું હતું. તે સમયે આ સબ્સ્ક્રિપ્શનનો માસિક ખર્ચ આશરે ૨૮ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ રૂ.૨,૩૦૦થી રૂ.૨,૪૦૦ હતો. આ રીતે તેઓ ઓછા ખર્ચે રોજ અનેક ફિલ્મો જોઈ શકતા હતા.
સતત કલાકો સુધી થિયેટરમાં બેસી રહેવું સ્વાસ્થ્ય માટે પડકારજનક બની શકે છે. આથી ગ્લેનવુડ માત્ર ફિલ્મો જોવા પર જ નહીં, પરંતુ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપતા હતા. થિયેટરમાં મોંઘા પોપકોર્ન અને નાસ્તા ખરીદવાને બદલે તેઓ ઘરેથી જ ટિફિન લઈ જતા હતા અને ૨ ફિલ્મોના શો વચ્ચે ભોજન કરતા હતા. આ ઉપરાંત, લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે શરીરને નુકસાન ન થાય તે માટે ૨ ફિલ્મો વચ્ચે થિયેટરમાં જ ચાલતા હતા અને પોતાની વોક પણ પૂરી કરતા હતા.
આટલી બધી ફિલ્મો જોવાની સફરમાં ગ્લેનવુડને એનિમેશન અને કોમેડી ફિલ્મો સૌથી વધુ પસંદ આવી હતી. ખાસ કરીને એનિમેટેડ ફિલ્મોનો સમયગાળો ઓછો હોવાથી તે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં સરળતાથી ગોઠવી શકાતી હતી. તેમને 'The Wild Robot' અને 'Deadpool & Wolverine' જેવી ફિલ્મો ખૂબ પસંદ પડી હતી. તેમના મતે, કોમેડી ફિલ્મો ઘરે એકલા જોવા કરતાં સિનેમાઘરમાં અન્ય લોકો સાથે બેસીને હસતાં-હસતાં જોવાનો અનુભવ વધુ મજેદાર હોય છે. સતત એક વર્ષ સુધી થિયેટરમાં જતાં તેઓ ત્યાંના મેનેજર અને સ્ટાફ સાથે પણ સારા મિત્રો બની ગયા હતા. સ્ટાફ પણ તેમને ટૂંકી સમયગાળાની ફિલ્મો શોધવામાં મદદ કરતો હતો, જેથી તેઓ પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકે.
૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ ગ્લેનવુડે પોતાની આ સફર પૂર્ણ કરી હતી. તેમણે એક વર્ષમાં કુલ ૧,૨૦૭ ફિલ્મો જોઈને અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલાં અમેરિકાના ઝકારિયા સ્વોપ (Zachariah Swope)ના નામે ૭૭૭ ફિલ્મો જોવાનો રેકોર્ડ હતો. ગ્લેનવુડે આ આંકડાને પાર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. તેમના મતે, આ સફર માત્ર સંખ્યાઓ સુધી મર્યાદિત નહોતી. આ દરમિયાન તેમને જીવનમાં એક નવું દૈનિક રૂટિન મળ્યું, નવા મિત્રો બન્યા અને જીવનને એક અલગ લ્લષ્ટિકોણથી જીવવાની તક મળી. ફિલ્મો પ્રત્યેનો આ અનોખો જુસ્સો તેમને સીધો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સુધી લઈ ગયો.(
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
