<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

જપાનમાં ૯૦ વર્ષના દાદા જીત્‍યા બોડીબિલ્‍ડિંગ ચેમ્‍પિયનશિપ

૯૦ વર્ષના બોડીબિલ્‍ડર તોશિસુકે કાનાઝાવાએ ૮૫ વર્ષથી વધુ વયની કેટેગરીમાં ઓલ જપાન માસ્‍ટર્સ ફિટનેસ ચેમ્‍પિયનશિપ જીતીને ૧૯મું નેશનલ ટાઇટલ જીત્‍યું : પત્‍નીની યાદ તેમને સતત પ્રેરણા આપે છે અને ફિટનેસ માટે ઉંમર અવરોધ નથી નવી પેઢી માટે

ટોકયો તા.૨૨: આજના સમયમાં કેટલાક લોકો ૬૦ વર્ષે વૃદ્ધાવસ્‍થાના બહાના હેઠળ આરામની જિદગી સ્‍વીકારી લેતા હોય છે ત્‍યારે જપાનના એક દાદાએ એવું પરાક્રમ કરી બતાવ્‍યું છે જેને જોઈને જિમમાં જતી યુવા પેઢી પણ આંગળાં કરડી ખાય.

૯૦ વર્ષની પાકટ વયે જપાનના બોડીબિલ્‍ડર તોશિસુકે કાનાઝાવાએ ઑલ જપાન માસ્‍ટર્સ ફિટનેસ ચેમ્‍પિયનશિપ જીતીને પોતાના નામે ૧૯મું નેશનલ ટાઇટલ કરી લીધું છે.

તોશિસુકે કાનાઝાવાએ ૮૫ વર્ષ અને એથી વધુ વયજૂથની કેટેગરીમાં ભાગ લઈને આ ટ્રોફી પોતાના નામે કરી છે અને સાબિત કરી દીધું છે કે ફિટનેસ માટે ઉંમર ક્‍યારેય કોઈ અવરોધ બની શકતી નથી.

યુવાનવયે બોડીબિલ્‍ડિંગ શરૂ કરનારા તોશિસુકે કાનાઝાવાએ ૩૪ વર્ષની ઉંમરે સ્‍પર્ધાઓ છોડી દીધી હતી, પરંતુ તેમની પત્‍ની બીમાર રહેતી હતી અને તેમને સ્‍ટેજ પર કસરત કરતા જોઈને રાજી થતી હોવાથી પત્‍નીની ખુશી માટે તેમણે ૫૦ વર્ષની ઉંમરે ફરી સ્‍પર્ધામાં વાપસી કરી હતી.

પત્‍નીના અવસાન પછી પણ તેઓ અટક્‍યા નહીં. તોશિસુકે કાનાઝાવા કહે છે કે સ્‍ટેજ પર મારું નામ જાહેર થાય છે ત્‍યારે મને એવું લાગે છે કે મારી પત્‍ની સ્‍વર્ગમાંથી મને જોઈ રહી છે અને આ જ વિચાર મને ૧૯મી વાર ચેમ્‍પિયન બનવા માટે હિમત આપતો રહ્યો.

(10:08 AM IST)