<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

હોસ્‍પિટલમાં દાખલ મહિલાને જીવતે જીવતી કાતરી ગઈ કીડીઓ

એક રાતમાં ૧૦૦૦ જગ્‍યાએ બચકાં ભર્યાઃ સવારે મળી વૃદ્ધા લાશ : એક મહિલા સાથે હોસ્‍પિટલમાં રાતે કંઈક એવું થયું, જે તમે અત્‍યાર સુધી માત્ર હોરર ફિલ્‍મમાં જોયું હશેઃ આ મહિલા પર રાતે અંધારામાં હજારો લાલ કીડીઓએ હુમલો કરી દીધોઃ પહેલાથી બીમાર મહિલા ન કંઈ બોલી શકી કે ન ઊઠીને ભાગી શકી

સાઉથ કેરોલિના તા.૨૬: એક મહિલા સાથે હોસ્‍પિટલમાં રાતે કંઈક એવું થયું, જે તમે અત્‍યાર સુધી માત્ર હોરર ફિલ્‍મમાં જોયું હશે. આ મહિલા પર રાતે અંધારામાં હજારો લાલ કીડીઓએ હુમલો કરી દીધો, પહેલાથી બીમાર મહિલા ન કંઈ બોલી શકી કે ન ઊઠીને ભાગી શકી. સવારે જ્‍યારે પરિવારના લોકો તેને મળવા આવ્‍યા લાશની હાલત જોઈને ઘરના લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા. ત્‍યાર બાદ હોસ્‍પિટલ પર બેદરકારી અને હત્‍યાને કેસ દાખલ કરાવ્‍યો છે. જો કે આ કિસ્‍સો સાંભળીને દરેક નવાઈમાં પડી ગયા છે, કે કીડીઓ એક રાતમાં મહિલાને કેવી રીતે ખાઈ ગઈ?

આ ચોંકાવનારી ઘટના અમેરિકાના સાઉથ કેરોલિનામાં બની છે. અહીં એક જાણીતા નર્સિગ હોમની બેદરકારીને કારણે અલ્‍ઝાઈમરથી પીડિત ૮૩ વર્ષની વૃદ્ધ મહિલાનું દર્દનાક મોત થયું. વૃદ્ધ મહિલા અડધી રાતે કોઈ દેખરેખ વિના નર્સિગ હોમના ખુલ્‍લા દરવાજામાંથી બહાર નીકળી ગઈ હતી. ત્‍યારબાદ લાલ કીડીઓના ઝૂંડે તેમના પર હુમલો કર્યો. કીડીઓએ તેને ૧,૦૦૦થી વધુ વખત કરકોલી અને ડંખ માર્યો.

મૃતકની ઓળખ ૮૩ વર્ષીય શેલ્‍બા કેટરટન તરીકે થઈ છે. શેલ્‍બા એડવાન્‍સ ડિમેન્‍શિયાથી પીડિત હતાં અને સંપૂર્ણપણે બોલવામાં અસમર્થ હતાં. આ ઘટના ૨૩ જુલાઈની રાત્રે બની હતી. શેલ્‍બા સાઉથ કેરોલિનાના ર્ચાલ્‍સ્‍ટનમાં આવેલા ‘હાર્મની એટ વેસ્‍ટ એશ્‍લી' નામના નર્સિગ હોમમાં રહેતાં હતાં.

રાત્રે લગભગ ૧૦ વાગ્‍યા પછી નર્સિગ હોમનો એક દરવાજો કર્મચારીની બેદરકારીને કારણે ખુલ્‍લો રહી ગયો હતો. શેલ્‍બા એ અનલોક દરવાજામાંથી બહાર નીકળીને ગઈ હતી. બીમારીને કારણે તેઓ કંઈ બોલી કે સમજી શકવાની સ્‍થિતિમાં નહોતા. આ દરમિયાન તેઓ બહાર જમીન પર રહેલા કીડીઓના રાફડા પર પડી ગયા હતા.

શેલ્‍બા ઘણા કલાકો સુધી એ જ કીડીઓના રાફડા પર પડ્‍યા રહ્યા. કીડીઓના આખા ઝૂંડે તેમના શરીરને ઘેરી લીધું હતું. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કીડીઓએ તેમના ચહેરા, આંખો, માથાની ચામડી, પીઠ, છાતી, હાથ અને પગ પર ૧,૦૦૦થી વધુ વખત કરડ્‍યું અને ડંખ માર્યો હતો. ગંભીર બીમારીને કારણે શેલ્‍બા ન તો પીડાથી બૂમ પાડી શકતાં હતાં અને ન તો પોતાના હાથથી કીડીઓને દૂર કરી શકતાં હતાં. ઘણા કલાકો બાદ જ્‍યારે નર્સિગ હોમના એક કર્મચારીની નજર તેમના પર પડી ત્‍યારે તેમનું આખું શરીર કીડીઓથી ઢંકાયેલું હતું.

શેલ્‍બાને આ સ્‍થિતિમાં જોતા કર્મચારીએ તરત જ ઈમરજન્‍સી નંબર ૯૧૧ પર ફોન કર્યો. ફોન પર કર્મચારીએ ડિસ્‍પેચરને જે વાત જણાવી, તે ઘટનાની ભયાનકતા દર્શાવે છે. કર્મચારીએ કહ્યું, ‘તેમના શરીર પર ઘણી બધી કીડીઓ ચઢેલી છે. તેમની પીઠ અને ચહેરા પર દરેક જગ્‍યાએ મોટા-મોટા ચકામા પડી ગયા છે. સ્‍થિતિ ખૂબ ખરાબ છે. કીડીઓએ ખરેખર તેમને કરડી-કરડીને હાલત ખરાબ કરી નાખી છે.' ર્ચાલ્‍સ્‍ટન પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્‍યું છે કે એક કર્મચારીની ભૂલને કારણે દરવાજો ખુલ્‍લો રહી ગયો હતો, જેના કારણે શેલ્‍બા બહાર નીકળી ગયા હતા.

ઘટના બાદ શેલ્‍બાને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. ડોક્‍ટરોએ તપાસ કરતાં જાણવા મળ્‍યું કે કીડીઓના કરડવા ઉપરાંત કલાકો સુધી બહાર રહેવાને કારણે તેમને હાઇપોથર્મિયા અને ન્‍યુમોનિયા પણ થયો હતો. ડોક્‍ટરોએ તેમને બહારથી ગરમી આપ્‍યા બાદ ઈન્‍ટેન્‍સિવ કેર યુનિટમાં દાખલ કર્યા હતા. ડોક્‍ટરોના તમામ પ્રયાસો છતાં ૧,૦૦૦થી વધુ કીડીઓના ઝેર અને અન્‍ય બીમારીઓ સામે ઝઝૂમતા શેલ્‍બાનું મોત થયું હતું.

શેલ્‍બાના મોત બાદ તેમના પરિવારની હાલત ખરાબ છે. પરિવારે નર્સિગ હોમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આરોપ લગાવ્‍યો છે કે સંસ્‍થાએ ડિમેન્‍શિયાના દર્દીઓ માટે નક્કી કરવામાં આવેલા રાજ્‍યના નિયમોનું ઉલ્‍લંઘન કર્યું છે. પરિવારે એવો પણ આરોપ લગાવ્‍યો છે કે ઘટના બન્‍યા બાદ સ્‍ટાફે આ અંગે રિપોર્ટ કરવામાં ૩૬ કલાકનો વિલંબ કર્યો હતો. પીડિત પરિવારના વકીલ બેટ હુગીએ સ્‍થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘છેલ્‍લા ૨૫ વર્ષમાં મેં વૃદ્ધો સાથે થતા ઉત્‍પીડન અને બેદરકારીના સૌથી વધુ કેસ લડ્‍યા છે, પરંતુ આ મારા કરિયરની સૌથી ભયાનક અને હૃદયદ્રાવક ઘટના છે.'

બીજી તરફ, મૃતકની પુત્રી જાન બિસે ભારે હૃદયે કહ્યું, ‘હું સંપૂર્ણપણે હચમચી ગઈ હતી. મને કેટલો ઊંડો આઘાત લાગ્‍યો છે તે હું શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી શકતી નથી. દુનિયાના કોઈ પણ વ્‍યક્‍તિએ આવી ભયાનક પરિસ્‍થિતિમાંથી પસાર થવું ન જોઈએ.'

નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, લાલ કીડીઓના કરડવાથી સામાન્‍ય રીતે મોત થવું ખૂબ જ દુર્લભ છે. જોકે, ખૂબ નાના બાળકો અથવા ખૂબ વૃદ્ધ લોકોના કિસ્‍સામાં સ્‍થિતિ ગંભીર બની શકે છે. જો કોઈ વ્‍યક્‍તિને એકસાથે સેંકડો અથવા હજારો કીડીઓ કરડી લે, તો શરીરમાં ઝેરનું પ્રમાણ વધી શકે છે. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, એનાફિલેક્‍ટિક શોક અથવા ગંભીર એલર્જિક રિએક્‍શન થઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે

(10:03 AM IST)