તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ડિજિટલ યુગમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણયઃ ન્યૂઝીલેન્ડમાં ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશેઃ સંસદમાં બિલ રજૂ
બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે વિશ્વમાં મોટો ધડાકોઃ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોકની લતમાંથી માસુમોને ઉગારવા દેશની સરકાર આકરા પાણીએઃ સંસદમાં કાયદો બનાવવા માટે બિલ ટેબલ થતાં જ વિશ્વભરમાં મચ્યો સન્નાટોઃ નિયમનો ભંગ કરનાર સોશિયલ મીડિયા કંપનીઓને કરોડો રૂપિયાનો દંડ ફટકારવાની આકરી જોગવાઈ

નવી દિલ્હીઃ: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના દૂષણથી નાની વયના બાળકોનું બાળપણ અને માનસિક વિકાસ રોળાઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક ખૂબ જ ચોંકાવનારા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે! ન્યૂઝીલેન્ડ સરકારે ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની કડક તૈયારીઓ કરી લીધી છે. આ અંગે દેશની સંસદમાં એક વિશેષ વિધેયક (બિલ) પણ રજૂ કરી દેવામાં આવ્યું છે!
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષનએ જણાવ્યું હતું કે, 'અમે દેશના બાળકોની આખી પેઢીને થઈ રહેલું નુકસાન સહન કરી શકીએ નહીં. 13થી 17 વર્ષનું દર ત્રીજું બાળક રોજનો ઓછામાં ઓછો 5 કલાકનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, જેનાથી તેમનું કૌટુંબિક જીવન, અભ્યાસ અને ઊંઘ પ્રભાવિત થઈ રહ્યા છે.'
આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી લક્ષનની ગઠબંધન સરકારના બે મુખ્ય સહયોગી પક્ષો—'એક્ટ' (ACT) પાર્ટી અને 'ન્યુઝીલેન્ડ ફર્સ્ટ' (NZ First)—આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ફર્સ્ટનું માનવું છે કે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની જવાબદારી વાલીઓની છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ વેરિફિકેશન અને પ્રાઈવસી સંબંધિત સવાલો ઉઠાવ્યા છે અને હજુ સુધી પોતાનું અંતિમ સમર્થન જાહેર કર્યું નથી.
ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. હવે ફ્રાન્સ, યુકે, ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝિલ અને યુએઈ (UAE) સહિતના દેશોએ પણ આવા કાયદા પસાર કર્યા છે અથવા પ્રસ્તાવો આગળ વધાર્યા છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
