<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી પ્રચંડ ડ્રોન હુમલો: લશ્કરી વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી: આખો વિસ્તાર બળીને ખાક

યુદ્ધની ભીષણતા વધી: મોસ્કો અને સરહદી વિસ્તારોને નિશાન બનાવી યુક્રેને ડ્રોનની ઝડી વરસાવી:રશિયન વિમાન વિરોધી પ્રણાલીઓ પણ ટૂંકી પડી

નવી દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ ભયાનક મોડ પર પહોંચી ગયું છે. યુક્રેની સેનાએ રશિયાના સીમાવર્તી અને વ્યૂહાત્મક વિસ્તારો પર એકસાથે અનેક ડ્રોન વડે પ્રચંડ હુમલો કર્યો છે. આ ભયાનક આક્રમણમાં રશિયાનું એક વિશાળ લશ્કરી વેરહાઉસ નિશાન બન્યું હતું, જેમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા આખું વેરહાઉસ બળીને ખાક થઈ ગયું છે.
યુક્રેન રશિયામાં વધુ ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનિયન સૈનિકોનું એક નાનું જૂથ સૂર્યમુખીનાં ખેતરમાં એકત્ર થયું હતું. તેમણે વિસ્ફોટકો ભરેલા ૨૦ નાના વિમાન જેવા ડ્રોન એકત્ર કર્યા હતાં અને પછી તેને રશિયા તરફ છોડયા હતાં. યુક્રેને લાંબા અંતરનાં ડ્રોન તૈયાર કર્યા છે જે રશિયાનાં અંતરિયાળ વિસ્તારો સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન રશિયાનાં મિલિટ્રી, ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સાઇટ પર હુમલા કરે છે. યુક્રેનનાં હુમલાઓને કારણે રશિયન ઓનલાઇન રિટેલની મોટી કંપનીને અબજો ડોલરનું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તાજેતરનાં તેના હુમલાઓને કારણે રશિયાનાં એરપોર્ટમાં અવરોધ ઉભો થયો છે અને ત્યાં ઇંધણની અછત ઉત્પન્ન થઇ છે અને રશિયન સૈનિકોનું મનોબળ નબળું પડયું છે. આ દરમિયાન મોસ્કોમાં ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે કે રશિયામાં એક ભારતીય વિદ્યાર્થીને ડ્રોન હુમલામાં સામાન્ય ઇજા થઇ છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ભારતીય નાગરિકની ઓળખ ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ તરીકે કરવામાં આવી છે. જો કે ભારતીય મિશને વિદ્યાર્થીનું નામ અને અન્ય વિગતો શેર કરી નથી.

 

(6:03 PM IST)