તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
હોર્મુઝની દરિયાઈ પટ્ટી પર અમેરિકાનો કબજોઃ ટ્રમ્પે નવો નકશો બતાવી કર્યો દાવો - 'હવે માલિકી અને કન્ટ્રોલ અમારો'
પર્શિયન અખાતના સૌથી મોટા તેલ માર્ગ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ધડાકોઃ "હવે અહીંથી પસાર થતાં જહાજો પર આપણી નજર રહેશે" : નવો નકશો જાહેર થતાં જ ઈરાન અને આરબ દેશોમાં ભારે સનસનાટી: ક્રૂડ ઓઈલના ભાવ વધવાની દહેશત

નવી દિલ્હી : વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (દરિયાઈ પટ્ટી) ને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે આખા વિશ્વનું રાજકારણ ગરમાઈ ગયું છે! ટ્રમ્પે વાઈટ હાઉસમાંથી એક નવો વિવાદિત નકશો જાહેર કરીને ખુલ્લેઆમ કહી દીધું છે કે હોર્મુઝના આ દરિયાઈ માર્ગ પર હવે સંપૂર્ણ નિયંત્રણ અને માલિકી બંને અમેરિકાના હાથમાં છે! આ નકશાના ધડાકા બાદ સમગ્ર પશ્ચિમ એશિયા સહિત વૈશ્વિક રિયલ પોલિટિક્સમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પનો આ ભડકાઉ નકશો ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પે દાવો કર્યો છે કે ઉર્જાની નિકાસ માટે વિશ્વના સૌથી મહત્ત્વના સમુદ્ર માર્ગોમાં એક હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે. ફારસની ખાડીને ઓમાનની ખાડી અને અરબ સાગરથી જોડતા આ સાંકડા જળમાર્ગ પર નેવિગેશનના નિયંત્રણને લઈને પહેલેથી જ ચાલતા વિવાદમાં વધુ એક ફણગો ફૂટયો છે.
ટ્રમ્પે કેટલીય વખત આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અમેરિકન વિસ્તાર જાહેર કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતાં તેમણે તે વાતનો પુનરોચ્ચાર કર્યો કે મને લાગે છે કે આ એક સારો વિચાર છે. અમે ઘેરાબંધી દ્વારા તેને નિયંત્રિત કરીએ છીએ. હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. આ પહેલા શુક્રવારે લોંગ આઇલેન્ડમાં એક રિપબ્લિકન રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનને હરાવ્યા પછી વહેલામાં વહેલી તકે હોર્મુઝને હું અમેરિકાનો વિસ્તાર જાહેર કરી દઇશ.
બીજી બાજુએ ઇરાનના વરિષ્ઠ મંત્રણાકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા જ્યાં સુધી તેની પ્રતિબદ્ધતાઓનો અમલ કરે નહીં ત્યાં સુધી હોર્મુઝ ખોલવામાં નહીં આવે. તેમણે અમેરિકન લશ્કરને નાકાબંધી હટાવવા, તેના ઓઇલ પરથી પ્રતિબંધ હટાવવા અને વિદેશમાં જમા ઇરાની સંપત્તિ પર પ્રતિબંધ દૂર કરવાની માંગ કરી હતી. ઇરાનનું કહેવું છે કે આ વચન અમેરિકા-ઇરાન વચ્ચે જૂનમાં થયેલી સમજૂતીનો હિસ્સો હતો. હવે આ સમજૂતી તૂટતા બંને પક્ષ એવી ટક્કરમાં સપડાઈ ગયા છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
