તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ઇન્ડોનેશિયામાં ૭.૭ તીવ્રતાના ભારે ભૂકંપ બાદ કુદરતનો ચોંકાવનારો નજારો: સિક્રેટ ‘સાનો ન્ગોઆંગ’ (Sano Nggoang) સરોવરમાંથી કાળો પદાર્થ બહાર આવ્યો:પાણીનો રંગ બદલાતાં વિજ્ઞાનીઓ દંગ
ભૂકંપના તેજ આંચકા બાદ સરોવરનો રંગ મટમેલો અને કાળો થઈ ગયો: સલ્ફર અને ગૅસ બહાર આવવાની આશંકા વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ

નવી દિલ્હી:ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપ (Flores Island) નજીક આવેલા ૭.૭ ની તીવ્રતાના વિનાશક ભૂકંપના આંચકા બાદ એક અત્યંત દિલચસ્પ અને રહસ્યમય ઘટના સામે આવી છે. ભૂકંપના આંચકા થંભ્યા બાદ સ્થાનિક ‘સાનો ન્ગોઆંગ’ સરોવર (Lake Sano Nggoang) માંથી અચાનક એક રહસ્યમય કાળો પદાર્થ ઉભરીને બહાર આવવા લાગ્યો હતો, જેને કારણે આખાય સરોવરના પાણીનો રંગ કાળો અને ઘાટો થઈ ગયો હતો. સ્થાનિક લોકો આ કુદરતી ઘટનાને 'તાઈ સાનો' (Tai Sano) તરીકે ઓળખાવી રહ્યા છે.
ભૂકંપ બાદ તળાવમાં થયેલા આ ફેરફારોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટના બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂકંપના તીવ્ર આંચકાના કારણે તળાવના તળિયે જમા થયેલી માટી કે અન્ય પદાર્થો સપાટી પર આવી ગયા હોઈ શકે છે. સાનો ન્ગોઆંગ એ કોઈ સામાન્ય તળાવ નથી, પરંતુ તે પ્રાચીન જ્વાળામુખી ધરાવતા વિસ્તારમાં આવેલું તળાવ છે. અહીં જમીનની નીચેથી ગરમ પાણી અને ગેસ બહાર નીકળવા જેવી કુદરતી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે.
સાનો ન્ગોઆંગ તળાવ એક પ્રાચીન જ્વાળામુખીના ક્રેટરમાં બનેલું છે. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અનુસાર, અહીં અંદાજે 2.5×3.5 કિલોમીટરનો જ્વાળામુખી ક્રેટર આવેલો છે અને તળાવની આસપાસ ગરમ ગેસ નીકળતી જગ્યાઓ પણ નોંધાયેલી છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, આ તળાવનું કદ આશરે 3.3×2.2 કિલોમીટર છે અને તેની ઊંડાઈ લગભગ 500 મીટર સુધીની છે. આ તળાવનું પાણી ખૂબ જ એસિડિક છે, જેનું pH સ્તર 3.17 નોંધાયું હતું.
આ તળાવના પાણીમાં સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા રસાયણો મળી આવ્યા છે, તેમજ તળાવની આસપાસ સલ્ફર (ગંધક) જેવી તીવ્ર ગંધ અનુભવાય છે. આ બાબતો દર્શાવે છે કે તળાવની નીચે ભૂગર્ભીય પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. આથી, દેખાયેલો કાળો પદાર્થ તળાવના તળિયેથી ઉપર આવેલી માટી હોઈ શકે છે અથવા તો તેમાં કોઈ ખનિજ કે જ્વાળામુખીના પદાર્થો હોઈ શકે છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
