તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
એવિએશન ક્ષેત્રે નવો ઈતિહાસ: દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક વિમાને ભરી સફળ ઉડાન: માત્ર ₹480 ($5) ના ખર્ચમાં 27 મિનિટ હવામાં ઊડ્યું
ઈંધણના આસમાને આંબતા ભાવ વચ્ચે બેટરી સંચાલિત 'X1' વિમાનનું સફળ પરીક્ષણ: ૧૧ ટન વજન ધરાવતા પ્લેને ૩૩૫ મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી ગ્રીન એનર્જીનું નવું શિખર સર કર્યું

નવી દિલ્હી: વધતા જતાં પ્રદૂષણ અને વિમાની ઈંધણ (Aviation Fuel) ના ભડકે બળતા ભાવ વચ્ચે એરોસ્પેસ ક્ષેત્રે એક અવિશ્વસનીય અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. 'હાર્ટ એરોસ્પેસ' (Heart Aerospace) કંપની દ્વારા નિર્મિત અને વિશ્વના સૌથી મોટા બેટરી-ઈલેક્ટ્રિક વિમાન ગણાતા 'X1 Demonstrator' એ અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત પ્લાટ્સબર્ગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોતાની પ્રથમ સફળ ઉડાન ભરી છે. આ વિમાને માત્ર ૫ ડૉલર (લગભગ ₹૪૮૦) ના ઈલેક્ટ્રિસિટી ખર્ચમાં ૨૭ મિનિટ સુધી સફળતાપૂર્વક હવામાં ઉડાન ભરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
પરીક્ષણ દરમિયાન Aerospace X1 વિમાને 1,100 ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને કુલ 27 મિનિટ સુધી હવામાં રહીને સફળ લેન્ડિંગ કર્યું હતું. આ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વિમાનના ઈલેક્ટ્રિક પાવરટ્રેને 1 મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર 27 મિનિટની ઉડાનમાં ઉપયોગમાં લેવાયેલી વીજળીનો બિલ ખર્ચ માત્ર 5 ડૉલર(લગભગ ₹480) આવ્યો હતો.
હાલમાં હવાઈ મુસાફરીમાં ફ્યુઅલનો ખર્ચ સૌથી મોટો ભાગ ભજવે છે. પરંતુ ઓલ-ઈલેક્ટ્રિક પાવરટ્રેન ધરાવતા આ વિમાનથી ઓપરેટિંગ કોસ્ટમાં જંગી ઘટાડો થશે. કંપની હવે 30 મુસાફરોની ક્ષમતા ધરાવતું ES-30 નામનું હાઇબ્રિડ-ઈલેક્ટ્રિક વિમાન તૈયાર કરી રહી છે, જે રિજનલ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 40%થી વધુનો ઘટાડો કરશે.
ES-30 વિમાન સંપૂર્ણ ચાર્જ્ડ બેટરી અને ફૂલ ટેન્ક સાથે 804 કિમી (500 માઇલ) સુધીની મુસાફરી કરી શકશે, જ્યારે માત્ર ઈલેક્ટ્રિક મોડ પર 201 કિમી (125 માઇલ) ઉડી શકશે. તેની બેટરી માત્ર 30 મિનિટમાં ફરી ચાર્જ થઈ શકશે.
Aerospace X1 એ પેસેન્જર પ્લેન નથી પરંતુ એક ટેસ્ટિંગ પ્લેટફોર્મ છે, જેના આધારે ES-30 વિમાનની ટૅક્નોલૉજી પારખવામાં આવી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA)ની દેખરેખ હેઠળ આ ટેસ્ટિંગ કરાયું હતું. કંપનીના સીઈઓ એન્ડર્સ ફોરસલુન્ડના જણાવ્યા મુજબ, 2028 સુધીમાં હાઇબ્રિડ ફ્લાઇટનું પ્રોડક્શન ટેસ્ટિંગ શરૂ થશે અને 2031 સુધીમાં ટાઇપ સર્ટિફિકેશન મેળવવાનું લક્ષ્ય રખાયું છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
