<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

અમેરિકાનો સનસનાટીભર્યો ગંભીર આરોપ: ‘ચીનને ટેરિફથી બચાવવા ભારત સહિત ૪૦ દેશો મદદ કરી રહ્યા છે...’

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં વ્હાઈટ હાઉસનો ધડાકો: ડ્યુટી અને ટેરિફ ચોરી માટે ગેરકાયદે રસ્તા અપનાવાતા હોવાનો દાવો: વૈશ્વિક વેપાર જગતમાં મચી ગઈ ભારે હલચલ

નવી દિલ્હી :સુપરપાવર અમેરિકાએ ચીન અને ભારત સહિત વિશ્વના ૪૦ દેશો સામે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મોટો ભડકો કર્યો છે. યુએસ સત્તાધીશો અને વેપાર પ્રતિનિધિઓએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલા ભારેખમ ટેરિફ (જકાત)થી બચાવવા માટે ભારત સહિત વિશ્વના ૪૦ જેટલા દેશો ચીનની ગેરકાયદેસર રીતે મદદ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં જ્યારે તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર અન્યાયી વેપાર નીતિઓ બદલ કલમ 301 હેઠળ ભારે ટેરિફ લાદ્યા હતા, ત્યારથી ચીને ટેરિફથી બચવા માટે આ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. પીટર નવારકાએ દાવો કર્યો છે કે આ ગેરકાયદેસર ટ્રાન્સશિપમેન્ટનું વાર્ષિક મૂલ્ય $40 અબજથી $303 અબજ (લગભગ ₹3.3 લાખ કરોડથી ₹25 લાખ કરોડ) વચ્ચે હોવાનું અનુમાન છે. આ કૌભાંડ દ્વારા કમ્યુનિસ્ટ ચીન દાયકાઓથી ત્રીજા દેશો મારફતે પોતાની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકન પ્રમુખના વેપાર અને ઉત્પાદન સલાહકારે સ્પષ્ટ કર્યું કે ચીનના આ 'શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક'માં ભારત સિવાય અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદારો જેવા કે મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને સાઉથ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોના ઉદાર ફ્રી ઝોન, નબળા કસ્ટમ્સ ચેકિંગ અને સસ્તા શ્રમનો લાભ ઉઠાવીને અમેરિકન બજાર સુધી સરળતાથી માલ પહોંચાડી રહ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન પોતાના સામાનને ભારત જેવા ત્રીજા દેશોમાં મોકલે છે. ત્યાં માત્ર થોડું રિ-પેકેજિંગ, લેબલ બદલવું (Re-labeling), નવું બિલ બનાવવું (Re-invoicing) કે રૂટ બદલવા જેવા નજીવા ફેરફારો કરીને સામાન પરથી 'મેડ ઇન ચાઇના'નું બ્રાન્ડિંગ હટાવી દેવામાં આવે છે. દાખલા તરીકે, ભારતની પૂણે-ગુજરાત-ચેન્નાઈ પ્રોડક્શન બેલ્ટમાં વપરાતા પંપ અને કમ્પ્રેસર જેવા ચીની સામાનનો ઉપયોગ કરીને તેને આગળ મોકલવામાં આવે છે, જેનાથી અમેરિકાની ટેકનોલોજી સપ્લાય ચેઈન પ્રભાવિત થાય છે.

 

(5:46 PM IST)