<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કોલંબિયામાં ભયાનક ભૂકંપથી ભારે તબાહી: ૨૪ કલાકમાં ધ્રુજી ઉઠી ધરતી:એક પછી એક ૩૦ આફ્ટરશૉકથી હાહાકાર

૬૦ લાખથી વધુ લોકોએ અનુભવ્યા જોરદાર આંચકા: ઈમારતોમાં તિરાડો અને લોકોમાં ભારે દહેશત:કુદરતના કોપથી સર્જાઈ ભયાનક અફરાતફરી

નવી દિલ્હી :દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં કુદરતે ભયાનક કટોકટી સર્જી છે. અહીં ભૂકંપના શક્તિશાળી આંચકા બાદ છેલ્લા ૨૪ કલાકમાં એક પછી એક ૩૦થી વધુ આફ્ટરશૉક નોંધાતાં સમગ્ર દેશમાં ભારે તબાહી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ કુદરતી આપદામાં ૬૦ લાખથી વધુ લોકોએ ભયાનક કંપન અનુભવ્યું હતું. અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજી ઊઠી હતી અને લોકો પોતાના જીવ બચાવવા માટે ઘર અને ઓફિસો છોડીને ખુલ્લા મેદાન તરફ ભાગ્યા હતા. ભૂકંપ અને સતત આવતા આફ્ટરશૉકના કારણે અનેક મકાનો અને ઈમારતોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે વહીવટીતંત્ર દ્વારા ઈમરજન્સી સેવાઓ એલર્ટ કરી દેવામાં આવી છે. કોલંબિયાના જીઓલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ 21મી સદીમાં દેશમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. યુએસજીએસ (USGS)ના અંદાજ મુજબ, 60 લાખથી વધુ લોકોએ 7થી 8ની તીવ્રતાના આંચકા અનુભવ્યા છે. પહાડી વિસ્તાર, જમીનની સંરચના અને જૂની ઈમારતોને કારણે નુકસાનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. અગાઉ વર્ષ 1999માં કોફી ક્ષેત્રમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં હજારથી વધુ લોકોના મોત થયા હતા અને આ વખતે પણ એ જ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થતાં જૂની યાદો તાજી થઈ ગઈ છે.

ભૂકંપ બાદ 30થી વધુ આફ્ટરશૉક્સ (હળવા આંચકા) નોંધાયા છે, જેમાં સૌથી મોટો આંચકો 5.0ની તીવ્રતાનો હતો. મુખ્ય આંચકાના એક દિવસ પછી પણ ઘણી નબળી પડેલી ઈમારતો ધડાકાભેર જમીનદોસ્ત થઈ રહી છે. બચાવ ટુકડીઓ અને સ્થાનિક સ્વયંસેવકો રાત-દિવસ કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, સતત આવી રહેલા આફ્ટરશૉક્સ, તૂટેલા રસ્તાઓ અને ટેલિકોમ નેટવર્ક ઠપ થઈ જવાના કારણે ચોકો જેવા દૂરના અને ગરીબ વિસ્તારો સુધી રાહત સામગ્રી તેમજ ભારે મશીનરી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

(6:00 PM IST)