<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ગુપ્તચર એજન્સીઓને ચીની મોબાઈલ કંપનીઓની ડિવાઈસમાં શંકાસ્પદ 'બગ' હોવાની ગંભીર આશંકા: દેશની સુરક્ષા સામે મોટો ખતરો

સ્માર્ટફોન દ્વારા યુઝર્સ અને સુરક્ષા ક્ષેત્રનો ડેટા લીક થવાનો ભય: કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર: ચાઈનીઝ બ્રાન્ડ્સ પર કાનૂની શિકંજો કસાવાની શક્યતા

નવી દિલ્હી :ભારતીય ગુપ્તચર એજન્સીઓ (Intelligence Agencies) દ્વારા ચીનની જાણીતી મોબાઈલ કંપનીઓ અને તેમના સ્માર્ટ ડિવાઈસીસને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે. ચીની બ્રાન્ડ્સના મોબાઈલ અને સ્માર્ટ ઉપકરણોમાં શંકાસ્પદ 'બગ' (Software Bug/Spyware) અને હિડન સોફ્ટવેર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોના ખાનગી ડેટા સામે મોટો ખતરો ઊભો થયો છે.

ગુપ્તચર એજન્સીઓએ ચીનની કેટલીક મોબાઈલ કંપનીઓમાં ઉપયોગમાં લેવાતા ચિપસેટ, સોફ્ટવેર અને ડેટા ટ્રાન્સફર અંગે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સીઓને ચીનની કંપનીઓના મોબાઈલ ફોનમાં યુઝરનો ડેટા કેવી રીતે સ્ટોર કરાય છે અને તેની પ્રોસેસ કેવી રીતે થાય છે તે અંગે વિસ્તૃત તપાસની જરૂરિયાત અનુભવાઈ છે. એજન્સીઓએ અગાઉ પણ ચીનની કેટલીક કંપનીઓ અંગે ચેતવણી આપી હતી. હવે નવા ઈનપુટ્સ બાદ સરકાર આ સમગ્ર મામલાની પુનઃ સમીક્ષા કરી રહી છે. સૂત્રો મુજબ સરકા ચીનની મોબાઈલ કંપનીઓના પ્રતિનિધિઓને સમન્સ પાઠવી શકે છે. કેન્દ્ર સરકાર કંપનીઓને તેમના ડેટા સ્ટોરેજ, સોફ્ટવેર કંટ્રોલ, ચિપસેટ અને અન્ય મહત્વપૂર્ણ હાર્ડવેર કમ્પોનન્ટ્સ સાથે સંકળાયેલા સવાલ પૂછે તેવી સંભાવના છે. એજન્સીઓએ કેટલી કંપનીઓના સંચાલન મોડેલમાં અનેક પ્રકારની એવી બાબતો ઓળખી કાઢી છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક બાબત છે. આ બાબતોમાં આઈપીની માલિકી-કંટ્રોલનું વિદેશમાં હોવું, સોફ્ટવેરનું નિયંત્રણ વિદેશથી થવું, રોયલ્ટી અને લાઈસન્સ ફીના નાણાં વિદેશ જવા, ચિપસેટની વિદેશથી આયાત, ડિસ્પ્લે અને કેમેરા મોડયુલની આયાતનો સમાવેશ થાય છે. એજન્સીઓ મોબાઈલ ડિવાઈસના હાર્ડવેર અને સોફ્ટવેરની સંપૂર્ણ સપ્લાય ચેન અને ડેટા ફ્લો પર વાસ્તવિક નિયંત્રણ કોની પાસે છે તેની પાસ કરી રહી છે. સરકારી સૂત્રો મુજબ છેલ્લા ૧૨ મહિનામાં અલગ અલગ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ તરફથી ચીની કંપનીઓ સાથે સંકલાયેલા ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. કેટલાક મામલામાં કંપનીઓ તરફથી અપેક્ષિત સહયોગ નથી મળી રહ્યો. કંપનીઓની દલીલ છે કે ચીનના કાયદા અને નિયમોના કારણે તેમને સંબંધિત ડેટા શૅર કરવાની મંજૂરી નથી.

(6:00 PM IST)