<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

પેસિફિક મહાસાગરમાં એકસાથે ૫-૫ વાવાઝોડાંનું ભયાનક મહાસંકટ: વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓમાં ભારે ચિંતા: શું ભારતીય ચોમાસા પર તેની માઠી અસર દેખાશે?

દરિયામાં સર્જાયેલી આ ભયાનક કુદરતી સિસ્ટમથી વૈશ્વિક હવામાનમાં મોટી ઉથલપાથલ: ભારતમાં વરસાદના પેટર્ન પર અસર પડવાની આશંકા: ચોમાસાનો મિજાજ બદલાશે?

નવી દિલ્હી :પેસિફિક મહાસાગરમાં એકસાથે ૫ જેટલાં શક્તિશાળી વાવાઝોડાં અને ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં વૈશ્વિક સ્તરે હવામાન ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે. એક જ સમયે સમુદ્રમાં આટલી મોટી સંખ્યામાં તોફાનો આકાર લેતાં વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ ભારે આશ્ચર્ય અને ચિંતામાં મુકાઈ ગયા છે.

‘ડોલ્ફિન’ વાવાઝોડું આ વર્ષે ચીનમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી ચક્રવાત સાબિત થયું છે. નવમી ઓગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન નજીક 150-151 કિમી/કલાકની ઝડપે પવન સાથે તેણે લેન્ડફોલ કર્યું હતું, જે કેટેગરી-1 વાવાઝોડા સમકક્ષ હતું. ત્યારબાદ તેણે વેન્ઝોઉ નજીક બીજો લેન્ડફોલ કર્યો હતો. આ અગાઉ જાપાનના ઓકિનાવામાં આ તોફાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં સક્રિય આ તોફાનો સીધા ભારત તરફ નથી આવી રહ્યા, પરંતુ વાતાવરણીય પરિભ્રમણ દ્વારા ભારતીય ચોમાસાને અસર કરી શકે છે: શક્તિશાળી વાવાઝોડા પૂર્વ તરફ ભેજ ખેંચી લે છે, જેનાથી ભારતીય ઉપખંડ સુધી પહોંચતા ભેજમાં ઘટાડો થાય છે. આ પરિસ્થિતિ બંગાળની ખાડીમાં નવા નીચા દબાણ વાળા તંત્રો (Low Pressure) કે ડિપ્રેશન બનવામાં અવરોધ ઊભો કરી શકે છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં વરસાદ લાવતી સિસ્ટમ સુસ્ત પડતાં ચોમાસું નબળું પડી શકે છે અથવા અમુક સમય માટે વિરામ (બ્રેક) લઈ શકે છે.

જોકે નિષ્ણાતોનું માનવું છે કે આવા તોફાનો લાંબા ગાળે ચોમાસાને નુકસાન પહોંચાડતા નથી અને કેટલીકવાર ચોમાસાના પવનોને મજબૂત કરી પશ્ચિમ કિનારે વરસાદ વધારી પણ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અલ નીનો અને પેસિફિકની આ હલચલ પર નજર રાખી રહ્યું છે. આ જટિલ આબોહવાકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક રહેવા જણાવાયું છે.

(5:59 PM IST)