<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જે આઈડિયા પર કોઈને ભરોસો નહોતો તેનાથી ઊભી કરી રૂ. ૩૯,૦૦૦ કરોડની AI કંપની: ૧૦૦ વખત રિજેક્શન મળવા છતાં ન હાર્યા હિંમત

સ્ટાર્ટઅપ જગતની સૌથી ચોંકાવનારી સક્સેસ સ્ટોરી: ઈન્વેસ્ટરોએ દરવાજા વાસી દીધા હતા: પણ ઝૂક્યા વગર આઈડિયા પર અડગ રહી રચી દીધો ઐતિહાસિક ઈતિહાસ

નવી દિલ્હી :આજકાલ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં એક એવી ઝીરો-ટુ-હીરો સક્સેસ સ્ટોરીએ ભારે ખળભળાટ મચાવ્યો છે, જે સાંભળીને ગમે તે વ્યક્તિના રવાંડા ઊભા થઈ જાય. જે યુનિક આઈડિયા પર શરૂઆતમાં કોઈ ઈન્વેસ્ટર કે કંપનીને વિશ્વાસ નહોતો અને જેને એક-બે નહીં પરંતુ પૂરી ૧૦૦ વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, તે જ આઈડિયાના દમ પર આજે રૂ. ૩૯,૦૦૦ કરોડ ($4.5+ Billion) ની મસમોટી ગ્લોબલ AI કંપની ખડી કરી દેવામાં આવી છે. શરૂઆતના દિવસોમાં ફંડિંગ મેળવવા માટે ઈન્વેસ્ટરોના દરવાજે રોજેરોજ અપમાન અને નકારાત્મક જવાબો મળવા છતાં ઝૂક્યા વગર સતત મહેનત ચાલુ રાખવામાં આવી હતી. આખરે ઝિદ્દી જુનૂન અને અદ્ભુત ટેક્નોલોજીના બળે આ કંપનીએ AI માર્કેટમાં ધમાકો કરીને તમામ વિરોધીઓ અને રિજેક્ટ કરનારા ઈન્વેસ્ટરોના મોં બંધ કરી દીધા છે.
વિક્ટર રિપરબેલીએ વર્ષ 2017માં લંડન ખાતે 'સિન્થેશિયા' કંપનીની સ્થાપના કરી હતી. ફંડ એકત્ર કરતી વખતે 100થી વધુ રોકાણકારોએ તેમને રિજેક્ટ કરતાં કહ્યું હતું કે આ ટેકનોલોજી સમય કરતાં ઘણી આગળ છે અને તેનો કોઈ મોટો ગ્રાહક વર્ગ નથી. વિક્ટરનું માનવું હતું કે ક્રાંતિકારી વિચારો શરૂઆતમાં લોકોને અજીબ અને અશક્ય લાગે છે, પરંતુ જે સફળ થાય છે તે આખી ઈન્ડસ્ટ્રીનું ચિત્ર બદલી નાખે છે.
શરૂઆતમાં કંપનીને સમજાયું કે આ AI વીડિયો કન્ટેન્ટનો અસલી ઉપયોગ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં નહીં, પરંતુ કોર્પોરેટ સેક્ટરમાં છે. સિન્થેશિયાએ પોતાનું ધ્યાન એન્ટરપ્રાઈઝ કંપનીઓની ટ્રેનિંગ, એમ્પ્લોય ઓનબોર્ડિંગ અને ઈન્ટરનલ કમ્યુનિકેશન માટે વીડિયો બનાવવા પર કેન્દ્રિત કર્યું. આ એક વ્યૂહાત્મક નિર્ણયથી કંપનીનું નસીબ બદલાઈ ગયું. આજે સિન્થેશિયા કોઈ પણ કેમેરા, એક્ટર કે પ્રોડક્શન ક્રૂ વગર માત્ર AI અવતાર દ્વારા પ્રોફેશનલ વીડિયો બનાવવાની સુવિધા આપે છે.
આ ફંડિંગ રાઉન્ડમાં સેકન્ડરી શેર સેલનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો, જેનાથી કંપનીના પ્રારંભિક રોકાણકારો અને કર્મચારીઓને મોટો નફો કમાવવાની તક મળી છે. 100થી વધુ રિજેક્શનથી શરૂ થયેલી $4 બિલિયનની આ સફર સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ અને સ્પષ્ટ વિઝન સામે ગમે તેવા પડકારો પણ નમી જાય છે.

 

(6:08 PM IST)