તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
આકાશમાં ફ્લાઇટ બેકાબૂ થતાં કાળજું કંપાવનારી ક્ષણો: એર ઇન્ડિયાનું પ્લેન અચાનક ૩૦૦ ફૂટ નીચે પટકાયું: ૧૭ પ્રવાસીઓ લોહીલુહાણ
હવામાં સર્જાયેલા ભારે ટર્બ્યુલન્સથી મુસાફરો સીટ પરથી ઉછળીને છત સાથે અથડાયા: પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા

નવી દિલ્હી:આકાશમાં મુસાફરી કરી રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક જ કાળજું ધ્રૂજી ઊઠે તેવી હોરર ઘટના સામે આવી છે. ફ્લાઇટ દરમિયાન અચાનક સર્જાયેલા ભારે ટર્બ્યુલન્સ (હવાના દબાણના આંચકા)ના કારણે વિમાન સેકન્ડોમાં જ અંદાજે ૩૦૦ ફૂટ જેટલું નીચે તરફ પટકાયું હતું. આ અચાનક આવેલી આંચકાજનક સ્થિતિમાં સીટબેલ્ટ ન બાંધેલા હોય તેવા ૧૭થી વધુ મુસાફરો ઉછળીને વિમાનની છત અને બાજુની પેનલો સાથે જોરદાર અથડાયા હતા, જેના કારણે પ્રવાસીઓને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. વિમાનમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. પાયલોટે ત્વરિત સૂઝબૂઝ દાખવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને એરક્રાફ્ટનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. લેન્ડિંગ બાદ તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યા હતા.
થાઇલેન્ડના ફુકેટથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ૨૩૭૯ (એ૩૨૦ એરક્રાફ્ટ)એ ૧૩૪ મુસાફરો અને ૮ ક્રૂ મેમ્બર સાથે દિલ્હી આવવા માટે ઉડાન ભરી હતી. જોકે વચ્ચે અચાનક જ ટર્બ્યુલ્સનો સામનો કરવો પડયો હતો, જેને પગલે ફ્લાઇટે કાબુ ગુમાવી દીધો અને સીધી ૩૦૦ ફૂટ નીચે ખાબકી હતી. આ દરમિયાન મુસાફરો ભયમાં મુકાયા હતા જ્યારે કેટલાક મુસાફરો અચાનક જ પટકાવાને કારણે ઘાયલ થઇ ગયા હતા. ચાર ક્રૂ મેમ્બરને પણ ઇજા પહોંચી હતી. એક મુસાફરે જણાવ્યું હતું કે આશરે બેથી ત્રણ મિનિટ સુધી આ તોફાનની અસર રહી હતી. જે દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ફ્લાઇટ થોડા સમય માટે હચમચી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક મુસાફરો ડરને કારણે ચિસો પાડતા પણ જોવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ દિલ્હી એરપોર્ટને તાત્કાલીક એલર્ટ કરી દેવાયું હતું તેવા અહેવાલો છે. એક મેડિકલ ટીમને તૈયાર રાખવામાં આવી હતી, ફ્લાઇટ સવારે ૧૧.૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી જે સાથે જ તમામ ઘાયલ મુસાફરોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે હાલ સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થઇ ગયેલ છે, જ્યારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી, બહુ જ ઓછી સંખ્યામાં મુસાફરો અને ક્રૂને સામાન્ય ઇજા પહોંચી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
