<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

અવકાશમાં મોટો ધડાકો: સ્પેસએક્સનું બેકાબૂ રોકેટ ચંદ્ર સાથે ટકરાશે: બુલેટ ટ્રેન કરતાં 27 ગણી પ્રચંડ ઝડપે થશે જોરદાર સ્મેશ

ઈલોન મસ્કની કંપનીના ફાલ્કન રોકેટનો અપર સ્ટેજ અવકાશમાં ભટક્યા બાદ આખરે મૂન સરફેસ પર ખાબકશે: વૈજ્ઞાનિકોની નજર સમગ્ર ઘટના પર

નવી દિલ્હી:અંતરિક્ષ વિજ્ઞાનની દુર્લભ પણ આશ્ચર્યજનક ઘટનામાં સ્પેસએક્સ (SpaceX)નું એક બેકાબૂ બનેલું રોકેટ ચંદ્રની સપાટી સાથે જોરદાર ધડાકા સાથે ટકરાવા જઈ રહ્યું છે. વર્ષો પહેલા લોન્ચ કરાયા બાદ આ રોકેટનો ઉપલો ભાગ (અપર સ્ટેજ) અવકાશમાં ભટકી રહ્યો હતો અને હવે ગુરુત્વાકર્ષણના કારણે ચંદ્ર તરફ ખેંચાઈ આવ્યો છે. આ રોકેટ કલાકના હજારો કિલોમીટર એટલે કે સામાન્ય બુલેટ ટ્રેન કરતાં અંદાજે ૨૭ ગણી વધુ પ્રચંડ ઝડપે ચંદ્રની ધરતી સાથે સ્મેશ થશે. જોકે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ટક્કરથી ચંદ્રની કક્ષા કે પરિભ્રમણ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે, પરંતુ આ વિસ્ફોટથી ચંદ્ર પર એક વિશાળ ખાડો (ક્રેટર) સર્જાશે. ખગોળશાસ્ત્રીઓ અને સ્પેસ એજન્સીઓ આ ટક્કરના પરિણામે ચંદ્રની સપાટીની માટી અને બનાવટ અંગે નવા વિજ્ઞાનિક ડેટા મેળવવા માટે આ ઘટના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
એક અહેવાલ મુજબ, ચંદ્ર સાથે અથડાવા જઈ રહેલો આ હિસ્સો વાસ્તવમાં સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો સેકન્ડ સ્ટેજ છે, જેનું કદ એક શાળાની બસ જેટલું મોટું છે. આ રોકેટે જાન્યુઆરી 2025માં 'ફાયરફ્લાય એરોસ્પેસ'ના લૂનર લેન્ડરને ચંદ્ર તરફ રવાના કર્યું હતું.
ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે અંદાજે 12.05 વાગ્યે આ રોકેટનો ટુકડો 8,690 km/hની ભયાનક ગતિએ ચંદ્રની સપાટી સાથે ત્રાટકશે. આ ઝડપ સામાન્ય બુલેટ ટ્રેનની સ્પીડ કરતાં લગભગ 27 ગણી વધારે છે. આ પ્રચંડ ટક્કરના કારણે ચંદ્રની સપાટી પરથી વિશાળ ધૂળની ડમરીઓ અને ગુબાર ઊડશે, જે સૂર્યપ્રકાશમાં ચમકી શકે છે. પરંતુ આ ઘટના પૃથ્વી પરથી નરી આંખે અથવા કોઈ ખાસ સાધનો વગર જોવી અત્યંત મુશ્કેલ બની રહેશે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, આ ટક્કરના પરિણામે ચંદ્રની જમીન પર અંદાજે 60 feet પહોળો અને 12 feet ઊંડો એક નવો ખાડો બનવાની પૂરી શક્યતા છે. આ રોકેટ હિસ્સો ચંદ્રની પશ્ચિમી ધાર પર આવેલા 'આઈન્સ્ટાઈન ક્રેટર’ વિસ્તારમાં ત્રાટકશે. આ એવો વિસ્તાર છે જેને પૃથ્વી પરથી સ્પષ્ટપણે જોવો મુશ્કેલ માનવામાં આવે છે.
નાસાએ વધુમાં ઉમેર્યું છે કે તેઓ આ ટક્કર પહેલાં અને ટક્કર પછીના સ્થળના તસવીરી ડેટા મેળવવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાથી એકત્રિત થનારો વૈજ્ઞાનિક ડેટા ભવિષ્યમાં અંતરિક્ષમાં થતી આ પ્રકારની ટક્કરો અને તેના સંશોધનત્મક પ્રભાવોને વધારે ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ સાબિત થશે.

 

(6:48 PM IST)