તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
યુએસમાં ભાષાના કડક નિયમથી મોટો ધડાકો: ડ્રાઇવિંગમાં ‘અંગ્રેજી’ કાચું પડતાં 28 હજારથી વધુ ટ્રકચાલકો બેરોજગાર:ભારતીયોની રોજીરોટી પર સંકટ
ટ્રાન્સપોર્ટ વિભાગની લાલ આંખ: રસ્તા પરના સાઇન બોર્ડ અને અધિકારીઓ સાથે વાતચીતમાં નિષ્ફળ જતાં લાયસન્સ રદ: પંજાબી કોમ્યુનિટીમાં ચિંતાનું મોજું

નવી દિલ્હી:અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ડ્રાઇવરો માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકી ટ્રાન્સપોર્ટ વિભાગે માર્ગ સુરક્ષા અને કાયદાકીય નિયમોના પાલન હેતુથી એક મોટો નિર્ણય લેતાં અંગ્રેજી ભાષામાં અસમર્થ હોય તેવા ૨૮,૦૦૦થી વધુ કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ કરી દીધા છે. નિયમ મુજબ, ભારે વાહનો ચલાવતા ડ્રાઇવરો માટે ટ્રાફિક સાઇન બોર્ડ વાંચવા, કટોકટીના સમયે સંવાદ કરવો અને સુરક્ષા અધિકારીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી ફરજિયાત છે. આ કડક ઝુંબેશના કારણે અમેરિકામાં મોટા પાયે ટ્રકિંગ ક્ષેત્રે કામ કરતા ભારતીયો, ખાસ કરીને પંજાબી મૂળના ડ્રાઇવરોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. લાયસન્સ રદ થવાથી અનેક પરિવારની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ સર્જાઈ છે.
અમેરિકામાં અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે આ કડક કાર્યવાહી ઓગસ્ટ 2025માં ફ્લોરિડામાં થયેલા એક ભીષણ અકસ્માત બાદ શરૂ થઈ હતી. ફ્લોરિડામાં એક ભારતીય ટ્રક ડ્રાઇવરે ગેરકાયદેસર રીતે યુ-ટર્ન લેતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. અમેરિકન પરિવહન મંત્રી શોન ડફીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 'ફ્લોરિડા દુર્ઘટના માટે જવાબદાર ભારતીય ડ્રાઇવરને શરૂઆતમાં લાઇસન્સ મળવું જ જોઈતું નહોતું. જે ગેરકાયદેસર અપ્રવાસીઓ અમારી ભાષા બોલી શકતા નથી, તેમને મોટા ટ્રક ચલાવવાનો કોઈ અધિકાર નથી.'
ફ્લોરિડાની ઘટના બાદ અમેરિકન પરિવહન વિભાગે ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષાના નિયમનું પાલન અત્યંત કડક બનાવી દીધું છે. સારી અંગ્રેજી ન બોલી કે વાંચી શકતા હોય તેવા આશરે 24,000થી વધુ ગેર-નાગરિકોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 26,000થી વધુ ડ્રાઇવરોને રસ્તા પરથી હટાવી દેવાયા છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અંદાજે 1.3 લાખથી 1.5 લાખ ટ્રક ડ્રાઇવરો ભારતના પંજાબ અને હરિયાણા રાજ્યમાંથી આવેલા છે, જેના કારણે ટ્રમ્પ સરકારના આ નિર્ણયની સૌથી માઠી અસર ભારતીય ડ્રાઇવરો પર પડવાની શક્યતા છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
