તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
AI ના પાવરથી અમેરિકામાં ફફડાટ: એન્થ્રોપિકના નવા મોડલે ઊંઘ ઉડાડી, વ્હાઈટ હાઉસમાં હાઈ-લેવલ મિટિંગનો ધમધમાટ
કમ્પ્યુટર ચિપની અંદર છુપાયેલું છે ભવિષ્યનું હથિયાર? એન્થ્રોપિકના શક્તિશાળી AI મોડલને લઈને અમેરિકી સુરક્ષા એજન્સીઓ સતર્ક: શું ચીનને માત આપવા ઘડાઈ રહી છે નવી વ્યૂહરચના? સુપર કોમ્પ્યુટરથી પણ આગળ નીકળવાની હોડમાં માનવતા જોખમમાં તો નથી ને? ટોચના વૈજ્ઞાનિકો અને સુરક્ષા સલાહકારો વચ્ચે બંધ બારણે ચર્ચા: આખું વિશ્વ નવા એઆઈ યુગના ઉંબરે

નવી દિલ્હી: અમેરિકાની અગ્રણી AI કંપની એન્થ્રોપિક (Anthropic) દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા મોડલે ટેકનોલોજીની દુનિયામાં ભૂકંપ લાવી દીધો છે. આ મોડલની અકલ્પનીય ક્ષમતાઓને જોતા અમેરિકાના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં એઆઈના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પર પડનારા જોખમો અને તેના સકારાત્મક ઉપયોગ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. અમેરિકા નથી ઈચ્છતું કે આ ટેકનોલોજી તેના દુશ્મન દેશોના હાથમાં લાગે. બીજી તરફ, સિલિકોન વેલીમાં ચર્ચા છે કે આ નવું મોડલ ઓપનએઆઈ (OpenAI) અને ગૂગલના વર્ચસ્વને પડકાર ફેંકી શકે છે.
રિપોર્ટ મુજબ, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બેંક ઓફ અમેરિકા, સિટીગુ્રપ, મોર્ગન સ્ટેનલી અને વેલ્સ ફાર્ગોના સીઈઓ હાજર રહ્યા હતા. તેમની ચર્ચાના કેન્દ્રમાં ક્લોડ માયથોસ પ્રીવ્યુ હતું. આ મોડલ કોઈપણ માણસ કરતા વધુ સારી રીતે સોફ્ટવેરની નબળાઈઓને શોધી શકે છે. નિષ્ણાતોના મતે, જો તે ખોટા વ્યક્તિના હાથમાં જાય તો હેકિંગ અને સાયબર હુમલાઓ વધવાની શક્યતા છે.
વિશ્વની સૌથી સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ ઓપનબીએસડી કે જેમાં, ૨૭ વર્ષથી કોઈ ખામી નહોતી શોધાઈ તેની ખામી પણ આ મોડલ બહાર લાવ્યું હતું. તેના કારણે સોફ્ટવેર, ફાઇનાન્સ અને લીગલ સેક્ટરના પરંપરાગત કામકાજ પર અસર પડી શકે છે. એન્થ્રોપિકના જણાવ્યા અનુસાર, આ મોડલેે રિલીઝ પહેલા જ દરેક જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝરમાં હજારો ગંભીર ખામીઓ શોધી છે.
એન્થ્રોપિકના વિવિધ એઆઈ મોડલ્સ પરંપરાગત સોફ્ટવેર બિઝનેસ માટે પડકાર બન્યા છે. તેમના લોન્ચિંગને કારણે અમેરિકા, યુરોપ, એશિયાની સોફ્ટવેર-એઝ-અ-સર્વિસ કંપનીઓના શેરોમાં છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ, વૈશ્વિક બજારોમાં સોફ્ટવેર કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ૨ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે. જાણકારોના મતે, એન્થ્રોપિકની એઆઈ ટેકનોલોજીના કારણે ઘણા બિઝનેસ મોડલમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ ઘટના દર્શાવે છે કે, એઆઈ હવે વૈશ્વિક બજાર અને રોકાણના ટ્રેન્ડ્સને પણ પ્રભાવિત કરી રહ્યું છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
