<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

યુદ્ધનો વિસ્ફોટ હવે પેટ પર પાટું મારશે: 'ઈરાન જંગ' ને કારણે દુનિયાભરમાં અનાજ મોંઘુંદાટ થશે:મોંઘવારીનો 'મહાસુનામી' આવવાની આશંકા

IMF અને વર્લ્ડ બેન્કની ભયાનક ચેતવણી: મોંઘવારીના રાક્ષસથી બચવું મુશ્કેલ:થાળીમાંથી રોટલી પણ છીનવાઈ જશે: રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન સંકટથી સપ્લાય ચેઈન ખોરવાઈ: શું ગરીબ દેશોમાં ભૂખમરો ફાટી નીકળશે? તેલ બાદ હવે અનાજના ભાવ આસમાને પહોંચશે:સામાન્ય માણસનું બજેટ વેરવિખેર

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ખેલાઈ રહેલો લોહિયાળ જંગ માત્ર ગોળીબાર સુધી મર્યાદિત નથી, પણ હવે તે વિશ્વની અર્થવ્યવસ્થાના પાયા હચમચાવી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેન્ક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ સંયુક્ત રીતે ગંભીર ચેતવણી આપી છે કે ઈરાન યુદ્ધના કારણે આગામી દિવસોમાં ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાઈ શકે છે. યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટ રૂટ બંધ થતાં અને ક્રૂડ ઓઈલના ભાવ વધતા ખેતીથી લઈને ટ્રાન્સપોર્ટ સુધી બધું જ મોંઘું થશે. જો આ જંગ જલ્દી ન અટક્યો તો દુનિયાભરમાં અનાજની ભારે અછત સર્જાઈ શકે છે અને મોંઘવારી મધ્યમ વર્ગની કમર તોડી નાખશે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે દુનિયાની ત્રણ મોટી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેન્ક અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ગંભીર ચેતવણી આપતા સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા બજારના સંકટની ખતરનાક અસર હવે દુનિયાની ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાને યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી પણ ઈઝરાયેલના હુમલા ચાલુ રહેવાના સંજોગોમાં ત્રણેય સંસ્થાઓએ એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી કહ્યું કે, આ યુદ્ધ આધુનિક ઈતિહાસમાં ઊર્જા બજારો માટે સૌથી મોટા અવરોધો ઊભા કરનારું સાબિત થયું છે. ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં તીવ્ર વધારાએ માત્ર પરિવહન જ મોંઘું નથી કર્યું, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઈન પર અસર કરી છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધ ક્ષેત્રમાં ખાદ્ય ઉત્પાદન પર અસર થઈ છે અને તેના ભાવ વધવાથી ખેતીનો ખર્ચ પણ વધી ગયો છે. પરિણામે ભવિષ્યમાં અનાજની ઊપજ અને ઉપલબ્ધતા પર સંકટ ઊભું થયું છે.

સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે અનાજના ભાવમાં વધારાની સૌથી વધુ ગંભીર અસર દુનિયાના સૌથી નબળા દેશો અને એવા દેશો પર પડશે જેઓ પોતાની ખાદ્ય જરૂરિયાતો માટે અનાજની આયાત પર નિર્ભર છે.

 

(5:08 PM IST)