<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમેરિકાનો દબદબો ખતમ? મિડલ ઈસ્ટમાં મહાસત્તાની પકડ ઢીલી પડી:ઈરાન સામેના ૪૦ દિવસના યુદ્ધે વર્ષોની મહેનત પર ફેરવ્યું પાણી

વ્હાઈટ હાઉસમાં ચિંતાના વાદળો: અબજો ડોલર ખર્ચ્યા અને વર્ષો સુધી ફિલ્ડિંગ ગોઠવી તોય ઈરાનને ન નમાવી શક્યું અમેરિકા: ખાડી દેશોમાં પલટાયા સમીકરણો:શું હવે રશિયા અને ચીન આ વિસ્તારમાં 'બોસ' બનશે? યુદ્ધે અમેરિકાની સૈન્ય તાકાત અને મુત્સદ્દીગીરીની પોલ ખોલી નાખી:વિશ્વના નકશા પર નવી સત્તાનું ઉદભવ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં દાયકાઓ સુધી પોતાનો સિક્કો જમાવનાર અમેરિકા હવે નબળું પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ઈરાન સાથે સતત ૪૦ દિવસ સુધી ચાલેલા ભયાનક યુદ્ધે સાબિત કરી દીધું છે કે અમેરિકા હવે પહેલા જેવું 'સુપરપાવર' રહ્યું નથી. આ યુદ્ધમાં અમેરિકાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હોવા છતાં ઈરાન ટસનું મસ થયું નથી, જેના કારણે અરબ દેશોમાં અમેરિકાનો ખૌફ ઓછો થયો છે. જે મિત્ર દેશો અત્યાર સુધી અમેરિકાના ભરોસે હતા, તેઓ હવે સુરક્ષા માટે રશિયા અને ચીન તરફ નજર દોડાવી રહ્યા છે. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવવા જે વર્ષોની મહેનત અને અબજો ડોલરનું રોકાણ કર્યું હતું, તે આ ૪૦ દિવસમાં જાણે એળે ગયું છે.

મધ્ય પૂર્વના રાજકારણના નિષ્ણાતોના મતે, અમેરિકાએ દાયકાઓથી જે તાકાતનું માળખું ઊભું કર્યું હતું, તેને ઈરાને માત્ર એક મહિનામાં જ નિષ્ક્રિય કરી દીધું છે. બહેરીન, કુવૈત અને કતારમાં આવેલા આ ઠેકાણાઓ પર અવરજવર ખૂબ જ મર્યાદિત કરી દેવામાં આવી છે. ખાસ કરીને બહેરીનમાં અમેરિકન નૌકાદળના 'ફિફ્થ ફ્લીટ'ના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે અત્યાર સુધી અમેરિકાની દરિયાઈ શક્તિનું કેન્દ્ર ગણાતું હતું. હવે સ્થિતિ એવી છે કે આ વિસ્તારો અત્યંત અસુરક્ષિત બની ગયા છે અને ભવિષ્યમાં ત્યાં ફરીથી પહેલા જેવી સૈન્ય પકડ જમાવવી અમેરિકા માટે પડકારજનક રહેશે.

વર્ષ 1990ના અખાતી યુદ્ધ પછી અમેરિકાએ આ વિસ્તારમાં 19 જેટલા મોટા સૈન્ય મથકો બનાવીને લગભગ 50,000 સૈનિકો તહેનાત કર્યા હતા. આ વ્યવસ્થાથી અખાતી દેશોને સુરક્ષા મળતી હતી અને બદલામાં અમેરિકાને ઓઇલ તથા વ્યૂહાત્મક પકડ મળતી હતી. પરંતુ હવે આ સમીકરણો બદલાઈ રહ્યા છે. આ સૈન્ય મથકો હવે સુરક્ષા આપવાને બદલે હુમલાઓનું મુખ્ય નિશાન બની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકાની સુરક્ષા ગેરંટી પરનો ભરોસો ડગમગી રહ્યો છે અને અખાતી દેશો હવે પોતાની સુરક્ષા માટે નવા વિકલ્પો વિશે વિચારવા મજબૂર બન્યા છે.

(5:08 PM IST)