<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઈઝરાયલે મચાવી મરણચીસો: ૧૦ મિનિટમાં ૧૦૦ એરસ્ટ્રાઈકથી ધરતી ધ્રૂજી ઉઠી: ૨૫૦થી વધુના કમકમાટીભર્યા મોત:ઈરાન-અમેરિકાના સીઝફાયરમાં ઈઝરાયલ બન્યું 'વિલન'

વિશ્વયુદ્ધના એંધાણ: આકાશમાંથી વરસી 'મોતની આફત':ઈઝરાયલી ફાઈટર જેટ્સે પાયમાલી સર્જી:લાશના ઢગલા જોઈ દુનિયા સ્તબ્ધ! શાંતિ કરારની આશા વચ્ચે ઈઝરાયલનો પ્રચંડ વિસ્ફોટ: શું હવે ઈરાન પરમાણુ હુમલો કરશે? મધ્ય-પૂર્વમાં રશિયા અને ચીન પણ હવે મેદાને આવે તેવી શક્યતા

નવી દિલ્હી: મધ્ય-પૂર્વના દેશોમાં ફરી એકવાર લોહીની નદીઓ વહી છે. જ્યારે એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે જ ઈઝરાયલે ઓચિંતો હુમલો કરીને શાંતિની આશા પર તેજાબ રેડી દીધું છે. માત્ર ૧૦ મિનિટના ટૂંકા ગાળામાં ઈઝરાયલના વાયુસેનાના વિમાનોએ ૧૦૦ જેટલી ભયાનક એરસ્ટ્રાઈક કરીને અનેક લશ્કરી અને રહેણાંક વિસ્તારોને સ્મશાનમાં ફેરવી દીધા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલના આ આક્રમક વલણને કારણે હવે ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંભવિત કરાર જોખમમાં મુકાયો છે અને સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે.
લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષમાં આ સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 254થી વધુ લોકોના મોત થયા છે અને 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. મલબા નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ આક્રમકતા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. લેબેનોનના રાષ્ટ્રપતિએ રોષે ભરાતા કહ્યું હતું કે, ઈઝરાયલ તમામ માનવીય મૂલ્યોની નેવે મૂકીને શાંતિના પ્રયાસોને નજરઅંદાજ કરી રહ્યું છે.
આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન આ યુદ્ધવિરામનો ભાગ નથી અને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને આક્રમક વલણ અપનાવતા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે અને ચેતવણી આપી છે કે જો લેબેનોન પર હુમલા નહીં અટકે તો તેઓ યુદ્ધવિરામ કરારમાંથી પાછળ હટી જશે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને પ્રમુખ મસૂદ પેજેશ્કિયાનનું કહેવું છે કે લેબેનોનમાં યુદ્ધવિરામ એ કરારની મુખ્ય શરત હતી અને જો અમેરિકા તેની પ્રતિબદ્ધતાઓ પાળવામાં નિષ્ફળ રહેશે તો શાંતિના પ્રયાસો ખોરવાઈ જશે.

 

(5:52 PM IST)