<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અફઘાનિસ્તાનમાં આકાશી આફત: મુશળધાર વરસાદ બાદ પ્રચંડ પૂરમાં ૨૨ જિંદગીઓ હોમાઈ:ચારેબાજુ તબાહીના દ્રશ્યો

મોતના પૂરમાં ઘરબાર વહી ગયા: ૩૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ: સેંકડો પશુઓના મોતથી હાહાકાર:કાચા મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી,:શું તાલિબાન શાસનમાં પીડિતોને સમયસર મદદ મળશે? કુદરતના કહેર સામે લાચાર બન્યું અફઘાનિસ્તાન

નવી દિલ્હી: યુદ્ધ અને ગરીબીથી ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાન પર હવે કુદરતી આફત તૂટી પડી છે. અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં વરસેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોવાના અહેવાલ છે, જેમાં અત્યાર સુધીમાં ૨૨ કમનસીબ લોકોના મોત નીપજ્યા છે. ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે અને રસ્તાઓ ધોવાઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૩૦થી વધારે લોકોનાં મોત થયા છે. હજારો ઘર નાશ પામ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે. 

અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જારી કરવામાં તાજેતરનાં આંકડા ચાલુ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષા અને પૂરથી થયેલા મોતનાં આંકડાથી વધારે છે. અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને તે ખરાબ હવામાનની ઘટનાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો હજુ પણ વધી શકે છે. નંગરહાર પ્રાંતનાં ઇન્ફરમેશન એન્ડ કલ્ચરલ ડિરેક્ટોરેટમાં કાર્યરત ઇન્ફરમેશન ડાયરેક્ટર સિદ્દીકુલ્લાહ કુરેશીનાં જણાવ્યા અનુસાર પૂર્વીય શહેર જલાલાબાદનાં મોટા ભાગના વિસ્તારો મંગળવાર સવાર સુધીમાં પૂરની ચપેટમાં આવી ગયા હતાં.શહેર અને આસપાસના જિલ્લાઓમાં છત પડવાથી ૧૩ લોકોનાં મોત થયા હતાં  અને અન્ય ૧૯ ઘાયલ થયા હતાં. જલાલાબાદ નંગરહાર પ્રાંતનું મુખ્ય શહેર છે. કુરેશીએ જણાવ્યું હતું કે પ્રાંતનાં વિવિધ ભાગોમાં પૂરનાં પાણીમાં ફસાઇ ગયેલા ૧૦૪ લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. 

(5:57 PM IST)