<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો: ઈરાન શાંત પડતા જ 'ઉત્તર કોરિયા' લાલઘૂમ:કિમ જોંગ ઉને સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી મચાવ્યો હાહાકાર

દક્ષિણ કોરિયા અને જાપાનના જીવ અધ્ધર: તાનાશાહની પરમાણુ ધમકીથી એશિયામાં યુદ્ધના નગારા વાગ્યા:અમેરિકાના સૈન્ય મથકો પણ ઉત્તર કોરિયાના નિશાને? શું 'કિમ જોંગ' દુનિયાને રાખ કરી દેવા માંગે છે? પાયોંગયાંગની ઉશ્કેરણીથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

નવી દિલ્હી: દુનિયા હજુ ઈરાન અને ઈઝરાયલના તણાવમાંથી માંડ બહાર આવી રહી હતી ત્યાં જ ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉને નવો ધડાકો કર્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે દાયકાઓ જૂની દુશ્મનાવટ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે. કિમ જોંગ ઉનની સેનાએ એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કરીને દક્ષિણ કોરિયા અને જાપાનને સીધી ચેતવણી આપી છે. આ મિસાઈલો જાપાનના દરિયાઈ ક્ષેત્ર નજીક પડતા જ ટોક્યો અને સીઓલમાં સાયરનો ગુંજી ઉઠી હતી. સંરક્ષણ નિષ્ણાતોના મતે, અમેરિકા જ્યારે પશ્ચિમ એશિયામાં વ્યસ્ત છે ત્યારે કિમ જોંગ આ તકનો લાભ લઈ પરમાણુ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે.

જાપાન નોર્થ કોરિયાની આવી પ્રવૃત્તિઓને ખૂબ જ ગંભીરતાથી લે છે. જ્યારે પણ નોર્થ કોરિયા મિસાઇલ પરીક્ષણ કરે છે, ત્યારે જાપાનનું ક્રાઈસિસ મેનેજમેન્ટ યુનિટ રિયલ-ટાઇમ માહિતી એકઠી કરવાનું શરૂ કરી દે છે. આ વખતે પણ મિસાઇલ લોન્ચ થયા બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ મિસાઇલ જાપાનના ક્ષેત્રમાં નથી પડી, તેમ છતાં જાપાનના પ્રધાનમંત્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે જનતા સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવામાં આવે.

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન પોતાની સૈન્ય તાકાત બતાવવા અને પાડોશી દેશો તેમજ અમેરિકાને ચેતવણી આપવા માટે વારંવાર આવા પરીક્ષણો કરે છે. ખાસ કરીને સાઉથ કોરિયા અને અમેરિકાના સૈન્ય અભ્યાસના જવાબમાં નોર્થ કોરિયા નાની દૂરીની બેલેસ્ટિક મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ અને રોકેટ લોન્ચરનું પરીક્ષણ કરતું રહે છે. મોટાભાગની મિસાઇલ પૂર્વી સમુદ્ર(સી ઓફ જાપાન)માં ફેંકવામાં આવે છે, જે જાપાન અને સાઉથ કોરિયા માટે ચિંતાનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નોર્થ કોરિયા પર પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, તે સતત આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

(5:57 PM IST)