<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ચીનમાં 'મોત' પણ મોંઘુંદાટ: કબ્રસ્તાનો ખૂટી પડતા હાહાકાર, લોકો હવે સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ રાખવા મજબૂર

જીવતા નસીબ નથી થતા પણ હવે મડદાં માટે ફ્લેટ ભાડે લેવા પડે છે: સ્મશાનમાં જગ્યા નથી ને કબરો લાખોમાં વેચાય છે, શું ડ્રેગન દેશમાં માનવતા મરી પરવારી?

નવી દિલ્હી: ચીનમાં વસ્તી વિસ્ફોટ અને જમીનની અછતને કારણે એક અત્યંત વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. અહીં કબ્રસ્તાનોમાં જગ્યા બચી નથી અને જે જગ્યાઓ ખાલી છે તેના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, મધ્યમ વર્ગના લોકો હવે પોતાના સ્વજનોના અસ્થિઓ રાખવા માટે શહેરની બહાર સસ્તા ફ્લેટ ખરીદી રહ્યા છે. આ ફ્લેટમાં કોઈ રહેતું નથી, માત્ર મૃતકોની રાખ અને અસ્થિઓ રાખવામાં આવે છે. આ 'ઘોસ્ટ બિલ્ડિંગ્સ'માં હવે માણસો કરતા મડદાંની રાખની સંખ્યા વધી રહી છે. શું આધુનિકીકરણની આંધળી દોટમાં ચીન હવે મૃતાત્માઓને શાંતિથી પોઢવા પણ નહીં દે?

રિપોર્ટ મુજબ, કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાથી અને દફનાવાવનો ખર્ચ વધી ગયો હોવાના કારણે હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, પરિવારજનો પોતાના પ્રિયજનને અંતિમ વિદાય આપવા માટે રહેણાંક વિસ્તારમાં નાના અને સસ્તા ફ્લેટ ખરીદીને તેમાં અસ્થિઓ મૂકવા મજબૂર થયા છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલો મુજબ, સૌથી વધુ શાંઘાઈ શહેરમાં કબ્રસ્તાનમાં જગ્યાનો અભાવ જોવા મળ્યો છે. અહીં 2025ના મધ્ય સુધી માત્ર 54 કોમર્શિયલ કબ્રસ્તાન હતા અને તેમાંથી અનેક કબ્રસ્તાન ભરાઈ ગયા છે. સ્થાનિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 2023માં શાંઘાઈના સોંગહે કબ્રસ્તાનમાં પ્રતિ વર્ગ મીટર એક પ્લોટની કિંમત લગભગ 7.6 લાખ યુઆન (લગભગ એક કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે, જ્યારે શહેરમાં પ્રતિ વર્ગ મીટર રહેણાંક ઘરની કિંમત સરેરાશ 55 હજાર યુઆન છે. એટલે કે, રહેણાંક ઘરની તુલનાએ કબ્રસ્તાનના પ્લોટની કિંમત અનેક ઘણી વધારો છે.

(5:20 PM IST)