તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
પાકિસ્તાનમાં 'ઈંધણ બોમ્બ'નો પ્રચંડ વિસ્ફોટ: પેટ્રોલ ૪૫૮ અને ડીઝલ ૫૨૦ને પાર:જનતા પાયમાલ
ભિખારી પાકિસ્તાનમાં હાહાકાર: આભ ફાટ્યું ત્યાં થીગડું ક્યાં દેવું? પેટ્રોલ-ડીઝલના ભાવ સાંભળીને જ રૂંવાડા ઉભા થઈ જાય તેવી સ્થિતિ: ઈસ્લામાબાદમાં સત્તાના સિંહાસન પર બેઠેલા શાસકોનો જનતા પર અત્યાચાર: એક લિટર તેલ માટે પણ હવે લોહીના આંસુ રોવાનો વારો

નવી દિલ્હી: પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે બદતર થઈ રહી છે અને હવે મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પાકિસ્તાન સરકારે મધરાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો ઝીંક્યો છે. નવા ભાવ મુજબ પેટ્રોલ પ્રતિ લિટર ૪૫૮ રૂપિયા અને ડીઝલનો ભાવ ૫૨૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ આસમાને પહોંચેલા ભાવોને કારણે પાકિસ્તાનમાં પરિવહન સેવાઓ ઠપ થઈ ગઈ છે અને ચીજવસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થવાની ભીતિ છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. દુનિયાભરમાંથી લોન માંગીને જીવતા પાકિસ્તાન પાસે હવે પોતાની જનતાને રાહત આપવાના કોઈ રસ્તા બચ્યા નથી.
પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈ(UAE) પાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે અગાઉના ત્રણ અઠવાડિયામાં 129 અબજ રૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત સંસાધનોને કારણે આ બોજ ઉઠાવવો શક્ય રહ્યો નથી. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે, જે પાકિસ્તાનના જીડીપીમાં 24% જેટલો હિસ્સો ધરાવે છે.જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે. જેમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ 20 લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર 1500 રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે. જોકે, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ હજુ પણ વધી રહ્યા છે, ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો બાદ બ્રન્ટ ક્રૂડના ભાવમાં 7 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
