<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

દક્ષિણ ઇથોપિયાની ઓમો વેલીમાં યુવતીઓ મોટા પેટવાળા પુરુષો પાછળ છે પાગલઃ જેનું પેટ મોટું તે ગણાય છે સૌથી હેન્‍ડસમ

દુનિયાનો એક એવો દેશ છે જ્‍યાં પુરુષોની સુંદરતા તેમના મોટા ગોળ-મટોળ પેટ નક્કી કરે છે

લંડન તા.૧: જ્‍યાં આખી દુનિયા સિક્‍સ પેક એબ્‍સ અને સ્‍લિમ બોડી પાછળ પાગલ છે, ત્‍યાં દુનિયામાં એક એવો પણ ખૂણો છે જ્‍યાં પુરુષનું મોટું પેટ તેની સુંદરતા અને શક્‍તિની ઓળખ માનવામાં આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ઇથોપિયાની ઓમો વેલીમાં રહેતી બોડી (Bodi Tribe) જનજાતિની. આ જનજાતિમાં જે પુરુષનું પેટ સૌથી વધારે બહાર નીકળેલું હોય, તેને સૌથી આકર્ષક અને સુપરમોડેલ માનવામાં આવે છે.

બોડી જનજાતિમાં દર વર્ષે કાયલ (Kael) નામનો એક ખાસ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. આ ઉત્‍સવ માટે દરેક પરિવાર એક અપરિણીત પુરુષની પસંદગી કરે છે. સ્‍પર્ધાનો નિયમ એ છે કે, જે પુરુષનું પેટ સૌથી મોટું હશે, તેને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતા બનેલા પુરુષને આખી જિદગી માટે હીરો માનવામાં આવે છે અને આદિવાસી મહિલાઓ તેને પોતાના જીવનસાથી તરીકે મેળવવા માટે પડાપડી કરે છે. પેટ વધારવાની આ પ્રક્રિયા અત્‍યંત કઠિન અને વિચિત્ર છે. સ્‍પર્ધાના ૬ મહિના પહેલાથી પસંદ કરાયેલા પુરુષોએ એક અલગ ઝૂંપડીમાં રહેવું પડે છે. આ સમય દરમિયાન તેઓ શારીરિક સંબંધ બાંધી શકતા નથી અને બહાર પણ નીકળી શકતા નથી. તેમનો મુખ્‍ય ખોરાક ગાયનું દૂધ અને તાજું લોહી હોય છે.

સ્‍થાનિક રિવાજ મુજબ, તેઓ ગાયને મારતા નથી પરંતુ તેની નસમાં કાણું પાડીને લોહી કાઢે છે અને પછી માટીથી ઘા ભરી દે છે. આ લોહી અને દૂધનું મિશ્રણ તેમને આખો દિવસ પીવું પડે છે. ઘણીવાર ગરમીને કારણે આ મિશ્રણ પીતી વખતે ઉલ્‍ટીઓ પણ થાય છે, પરંતુ હીરો બનવાની લાલચમાં તેઓ હાર માનતા નથી. જ્‍યારે ઉત્‍સવનો દિવસ આવે છે, ત્‍યારે આ પુરુષો પોતાના આખા શરીર પર માટી અને રાખ લગાવે છે. ત્‍યારબાદ તેઓ કલાકો સુધી ચાલે છે જેથી લોકો તેમનું મોટું પેટ જોઈ શકે. સમુદાયના વડીલો દરેક સ્‍પર્ધકના પેટનું માપ લે છે અને જેનું પેટ સૌથી મોટું અને વજન સૌથી વધુ હોય, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. બોડી જનજાતિના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જોકે, ઇથોપિયા સરકારના નવા પ્રોજેક્‍ટ્‍સ અને બહારની દુનિયાના હસ્‍તક્ષેપને કારણે તેમની આ હજારો વર્ષ જૂની પરંપરા હવે જોખમમાં છે. પરંતુ આજે પણ આ જનજાતિ માટે 'પેટ' એ માત્ર શરીરનો ભાગ નહીં, પણ ગૌરવનું પ્રતીક છે.

(10:12 AM IST)