<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

યુરોપનું જાદુઈ 'સાયલન્ટ વિલેજ': ગિથૂર્નની ખામોશ દુનિયામાં આધુનિકતાની દોડ વચ્ચે પણ કુદરતનું અદભૂત સામ્રાજ્ય

જ્યાં રસ્તા નથી પણ રસ્તાઓ છે: નેધરલેન્ડ્સના આ અનોખા ગામમાં વાહનોના ઘોંઘાટને બદલે માત્ર હોડીઓના હલેસાનો અવાજ:૧૮૦ થી વધુ લાકડાના પુલ અને ચારેતરફ પાણીની નહેરો વચ્ચે વસેલું સ્વર્ગ: પ્રદૂષણમુક્ત હવામાં શ્વાસ લેવા માટે દુનિયાભરના પ્રવાસીઓ ઉમટ્યા:આધુનિક યુગમાં પણ જૂની સંસ્કૃતિ અને પ્રકૃતિનું અજોડ સંતુલન

એમસ્ટરડેમ/યુરોપ: આજના મશીની યુગમાં જ્યાં ચારેતરફ ટ્રાફિક અને ઘોંઘાટનું સામ્રાજ્ય છે, ત્યાં યુરોપના નેધરલેન્ડ્સમાં આવેલું 'ગિથૂર્ન' (Giethoorn) નામનું ગામ દુનિયા માટે કુદરતી અજાયબી સાબિત થયું છે. આ ગામને 'વેનિસ ઓફ ધ નોર્થ' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં એક પણ પાકો રસ્તો નથી. આખા ગામમાં પરિવહન માટે માત્ર નહેરો અને નાની હોડીઓનો જ ઉપયોગ થાય છે. ૧૨મી સદીમાં વસેલા આ ગામમાં હજુ પણ લોકો વીજળીથી ચાલતી 'વિસ્પર બોટ્સ' (Whisper Boats) નો ઉપયોગ કરે છે, જેથી શાંતિ જળવાઈ રહે. ફૂલોથી લદાયેલા બગીચાઓ, પાણી ઉપર બનેલા સુંદર લાકડાના ૧૮૦ થી વધુ પુલ અને જૂની શૈલીના ઘરો અહીં આવનારા પ્રવાસીઓને કોઈ પરીકથા જેવો અનુભવ કરાવે છે. આધુનિકતાની આંધળી દોડ વચ્ચે પણ આ ગામના લોકોએ પોતાની પ્રકૃતિ અને પરંપરાને જે રીતે સાચવી રાખી છે, તે આખી દુનિયા માટે એક શીખ સમાન છે.

વાત છે નેધરલેન્ડ્સના ગિથૂર્ન (Giethoorn)ની જેને ‘ઉત્તરનું વેનિસ’ પણ કહેવામાં આવે છે કારણ કે, અહીં રસ્તા નથી, વાહનો નથી, ઘોંઘાટ નથી. છે તો ફક્ત અસીમ શાંતિ અને અફાટ કુદરતી સૌંદર્ય.ગિથૂર્નમાં કોઈ રસ્તા નથી. એક ઘરેથી બીજા ઘરે જવા માટે કાં તો તમારે હોડી લેવી પડે, અથવા તો નહેરો પર બનેલા લાકડાના પુલ પાર કરવા પડે. ગામમાં નાના-મોટા 176થી વધુ પુલ બનેલા છે. અહીંના લોકો શાકભાજી, ફર્નિચર, દૂધ જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજોને લાવવા લઈ જવા માટે પણ હોડીઓનો જ ઉપયોગ કરે છે. 

ગામની સરકાર અને ગામના લોકો રસ્તા બનાવવાના પક્ષમાં નથી, કેમ કે રસ્તા બને તો વાહનો આવે અને વાહનો આવે તો પ્રદૂષણ વધે, જેનાથી ગામના કુદરતી સૌંદર્યને ઝાંખપ લાગે. તેથી આ ગામમાં ક્યારેય રસ્તા બન્યા નથી. લોકો વાહનોના ઘોંઘાટથી ગામની શાંતિ ભંગ થાય, એ પણ નથી ઈચ્છતા. અહીંના રહેવાસીઓ આજના જમાનાની ઉંદર દોડ એટલે કે રેટ રેસથી દૂર શાંતિમય જીવન જીવવાના હિમાયતી છે.અહીં નહેરોની અવરજવર માટે ‘વ્હિસ્પર બોટ’ (Whisper Boat) વપરાય છે. આ હોડીઓ ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે અને કોઈ અવાજ કરતી નથી, તેથી એને આવું નામ મળ્યું છે. તેમાંથી ધુમાડો પણ નીકળતો નથી. આ હોડીઓ એટલી બધી શાંત હોય છે કે તમે નદીમાં પાણીની છાલકો અને પક્ષીઓનો અવાજ પણ સાંભળી શકો છો. અહીંની હવા અત્યંત શુદ્ધ છે.

આ અનોખા ગામની કહાની લગભગ 700 વર્ષ પહેલા શરૂ થઈ હતી. ગિથૂર્નના પેટાળમાંથી ‘પીટ’ (Peat) નામનું જીવાશ્મ બળતણ (Fossil Fuel) મળતું હોવાથી અહીં ખોદકામ થતું. કોલસા કરતાં નરમ એવું પીટ ત્યારના સમય માટે અત્યંત ઉપયોગી બળતણ હતું. સતત ખોદકામને લીધે ગિથૂર્નમાં ખાડા ઊંડા થતા ગયા અને તેમાં પાણી ભરાઈ ગયું. આખરે, એ જ ખાડા ભેગા થયા અને નહેરો બની, જેને લીધે ગિથૂર્નના જળ માર્ગો આપોઆપ તૈયાર થઈ ગયા. 

અહીં ખોદકામ ચાલતું હતું ત્યારે જમીનમાંથી બકરા-બકરીના અનેક શિંગડા મળી આવ્યા હતા, જેના કારણે આ ગામનું નામ ‘ગિથૂર્ન’ પડ્યું. ડચ ભાષામાં ‘ગિથ’ શબ્દનો અર્થ બકરું થાય છે. ગિથૂર્નના લોકો આરામથી જીવવામાં માને છે. અહીં કોઈ ઉતાવળમાં નથી. મોટાભાગના લોકો પાસે પોતાની હોડીઓ છે, જેમાં તેઓ કામ પર જાય છે. અહીં ક્યારેય ટ્રાફિક જામ નથી થતો. ઉનાળામાં પણ અહીં એર કંડિશનરની જરૂર નથી પડતી કારણ કે, નહેરોનું પાણી કુદરતી ઠંડક જાળવી રાખે છે. છાંટવાળી છત (Thatched Roofs) અને સુંદર બગીચો ધરાવતા અહીંના ઘરો 18મી સદીની યાદ અપાવે એવી બાંધણીના છે.

ગિથૂર્નની વસ્તી ફક્ત 2,800 લોકોની છે, પણ આ ગામ ખૂબ જ સુંદર હોવાથી દર વર્ષે 8 થી 10 લાખ જેટલા પ્રવાસી અહીં આવે છે, જે તેને દુનિયાનું સૌથી લોકપ્રિય ગામ બનાવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં સ્થાનિકોએ પોતાની જીવનશૈલી જાળવી રાખી છે. તેઓ વધુ પડતા વિકાસનો વિરોધ કરે છે અને ગામને ‘થીમ પાર્ક’ નથી બનવા દેતા. 

(7:35 PM IST)