તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
મોબાઈલનું ઘેલું હવે જીવલેણ બન્યું: સ્માર્ટફોનના વળગાડથી ભોજન લેવાની પદ્ધતિ બગડી:રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સ્ક્રીન સામે આંખો પરોવીને જમતા લોકો સાવધ: મોબાઈલના વ્યસનને કારણે પાચનશક્તિ નબળી પડી અને માનસિક તણાવમાં ધરખમ વધારો:જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી મગજને પેટ ભરાયાનો સંકેત મોડો મળે છે: મેદસ્વીતા અને અનિદ્રા જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું નિષ્ણાતોએ આપી લાલબત્તી

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયો છે, પરંતુ તેનું વ્યસન હવે લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. તાજેતરમાં થયેલા એક વૈશ્વિક રિસર્ચમાં બહાર આવ્યું છે કે મોબાઈલના અતિરેકને કારણે લોકોની ભોજન લેવાની આદતોમાં ગંભીર ફેરફાર આવ્યા છે. રિસર્ચ મુજબ, જે લોકો જમતી વખતે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તેમનું મગજ ભોજનના સ્વાદ અને માત્રા પર ધ્યાન આપી શકતું નથી, જેના પરિણામે પાચન સંબંધી સમસ્યાઓ અને જરૂરિયાત કરતા વધુ જમી લેવાની (Overeating) આદત પડે છે. આટલું જ નહીં, મોબાઈલના સતત વપરાશથી આંખોના રોગો, ગરદનનો દુખાવો અને ખાસ કરીને માનસિક એકાગ્રતામાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, ભોજન લેતી વખતે 'ડિજિટલ ડિટોક્સ' અપનાવવું હવે અનિવાર્ય બની ગયું છે, નહીંતર આવનારી પેઢી શારીરિક રીતે અત્યંત નબળી સાબિત થશે.
જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર સ્માર્ટફોનના અયોગ્ય ઉપયોગ અને ખાનપાનની સમસ્યાઓના લક્ષણો વચ્ચે સ્પષ્ટ કડી રહેલી છે. ખાનપાનની સમસ્યાઓમાં શરીર બાબતે અસંતોષ, લાગણીશીલ બની જવું અને ખાવાની લત પડવાની સમસ્યાનો સમાવેશ થાય છે. 52,000 યુવાનોને આવરી લેતો આ અભ્યાસ કરવા માટે પબમેડ અને એમ્બેઝ નામના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિવિધ દેશો અને વિવિધ વયજૂથના લોકોમાં આ સમસ્યા એકસમાન જણાઈ છે. આ અભ્યાસ અનુસાર જે લોકો તેમના સ્માર્ટફોન પર વધારે સમય ગાળતા હોય અને ટેવવશ અયોગ્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય તેઓ તેમના શરીર બાબતે નકારાત્મક લાગણી અનુભવે છે અને તેમનું ખાનપાન અવ્યવસ્થિત બની જાય છે.
લાગણીનો સંઘર્ષ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સતત તંગદિલી અનુભવવી, મૂડ ઉખડેલો રહેવો અને લાગણીઓ પર કાબૂ ન રહેવો જેવી સમસ્યાઓ વધારે પડતાં ફોનના ઉપયોગ અને ખાવાની સમસ્યાઓને જોડે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મૂડમાં ફેરફાર થાય છે તેની સીધી અસર દૈનિક ભોજન પર થાય છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
