<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઈરાન પર પરમાણુ પ્રહારનો ખૌફ: જો એટમ બોમ્બ ઝીંકાશે તો શું ભારત પર રેડિયેશનનું જોખમ? જાણો કયા દેશોના માથે મોતનું તોળાતું સંકટ

વિશ્વ વિનાશના આરે? પરમાણુ યુદ્ધની ભયાનક અસરોથી એશિયા ખળભળશે: ઈરાનના પરમાણુ મથકો પર હુમલાની ચીમકી વચ્ચે રેડિયેશન ફેલાવાની દહેશત: પાકિસ્તાન અને ભારત સુધી ઝેરીલી હવાઓ પહોંચવાની શક્યતા:રણનીતિકારોના મતે પડોશી દેશોમાં લાખો લોકોના આરોગ્ય પર થશે ગંભીર અસર:પર્યાવરણીય હોનારતના ભણકારા વચ્ચે વૈશ્વિક ફફડાટ

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં અત્યારે જે રીતે યુદ્ધના નગારા વાગી રહ્યા છે, તેમાં જો પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તો તેની અસરો માત્ર તે વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે. રણનીતિકારો અને વૈજ્ઞાનિકોના મતે, જો ઈરાન પર પરમાણુ પ્રહાર કરવામાં આવે તો તેમાંથી નીકળતું રેડિયેશન હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ શકે છે. ખાસ કરીને પવનોની દિશા જો પૂર્વ તરફની હોય, તો ઈરાનનો પડોશી દેશ પાકિસ્તાન અને ત્યારબાદ ભારત પર પણ તેની અસરો જોવા મળી શકે છે. રેડિયેશનને કારણે હવા અને પાણી પ્રદૂષિત થતા લાખો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને ખેતી તેમજ પર્યાવરણને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થઈ શકે છે. સૌથી વધુ ખતરો ઈરાકની સરહદ અડીને આવેલા દેશો, અફઘાનિસ્તાન અને અરબ દેશો પર છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ પર છે, કારણ કે એક નાનકડી ભૂલ આખા એશિયા ખંડને પરમાણુ રાખમાં ફેરવી શકે છે.

જોકે, પવનની દિશા આ જોખમને બદલી શકે છે. જો પવન પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાય, તો પરમાણુ વાદળો 48થી 72 કલાકમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોના આકાશ સુધી પહોંચી શકે છે. જોકે, ભારત સુધી પહોંચતા આ કણો એટલા વિખરાઈ ગયા હશે કે તેનાથી જીવલેણ જોખમ થવાની શક્યતા નહિવત રહે છે. સૌથી વધુ જોખમ ઈરાનના પાડોશી દેશો જેવા કે ઈરાક, તૂર્કીયે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર રહેશે, જ્યાં રેડિયોએક્ટિવ ધૂળ સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને બરબાદ કરી શકે છે. આ ઉપરાંત, જો ઈરાનના દરિયાકાંઠાના પરમાણુ પ્લાન્ટ પર હુમલો થાય તો અરબ સાગરનું પાણી ઝેરી બની શકે છે, જેની અસર ભારતીય તટો સુધી પણ પહોંચી શકે છે.પરમાણુ બોમ્બ કરતા પણ ચાલુ પરમાણુ રિએક્ટર પરનો હુમલો વધુ ભયાનક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી નીકળતા તત્વો દાયકાઓ સુધી માટી અને પાણીમાં ભળીને કેન્સર જેવી બીમારીઓ ફેલાવી શકે છે. ભારત માટે માત્ર પર્યાવરણીય જ નહીં, પરંતુ આર્થિક અને માનવીય પડકારો પણ મોટા હશે. ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે આ ક્ષેત્રના ક્રૂડ ઓઇલ અને ગેસ પર નિર્ભર છે, જેનો પુરવઠો ખોરવાઈ શકે છે. સાથે જ ખાડી દેશોમાં વસતા લાખો ભારતીયોના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા એ ભારત સરકાર માટે એક મોટું સંકટ બની રહેશે.

(7:33 PM IST)