તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
વિશ્વયુદ્ધનો વિસ્ફોટ: ઈરાને અમેરિકાને બતાવ્યું રૌદ્ર સ્વરૂપ:ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલોનો ભીષણ વરસાદ
ઈરાની મિસાઈલ હુમલાથી ખાડી દેશોમાં આસમાન ધણધણી ઉઠ્યું: અમેરિકાના એરબેઝ પર આગના ગોળા વરસ્યા, પેન્ટાગોન હરકતમાં આવતા વળતા પ્રહારની તૈયારી: ઈઝરાયેલ-અમેરિકા ગઠબંધન સામે ઈરાનનો સીધો પડકાર

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં અત્યારે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે અને ઈરાને અમેરિકા સામે સીધું યુદ્ધ છેડી દીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગત મોડી રાત્રે ઈરાને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકાના વ્યૂહાત્મક સૈન્ય મથકો અને એરબેઝ પર એકસાથે સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ હુમલામાં અમેરિકી મથકો પર ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને આ હુમલાની ગંભીર નોંધ લઈને તાત્કાલિક વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા વધુ દખલગીરી કરશે તો તેના તમામ મથકોને ધૂળમાં મેળવી દેવામાં આવશે. આ ભીષણ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવવાની અને વિશ્વ આર્થિક મહામંદીમાં ધકેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે 'કબજે કરેલા પ્રદેશોના હૃદય' સમાન લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ મિસાઈલ હુમલામાં કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકો તેમજ ઈઝરાયલને નિશાન બનાવાયા છે. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાને કારણે ફ્યૂલ ટેન્કમાં આગ લાગી હતી. જો કે સદનસીબે નુકસાન મર્યાદિત હતું. સાઉદી અરેબિયાએ પણ તેના પૂર્વી ક્ષેત્રમાં 4 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. એક તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવી રહ્યા છે કે ઈરાન સમજદારીથી વાત કરી રહ્યું છે અને તે જલ્દી જ પરમાણુ મહત્ત્વાકાંક્ષા છોડીને સમજૂતી કરવા માંગે છે. બીજી તરફ ઈરાને આ દાવા સદંતર ફગાવી દીધા છે. ઈરાનના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ ઝોલફાઘારીએ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘અમેરિકા અમારી સાથે નહીં પણ ‘પોતાની સાથે જ વાટાઘાટો’ કરી રહ્યું છે. જો અમેરિકા ખરેખર સુપર પાવર હોત તો અત્યાર સુધીમાં આ મુસીબતમાંથી બહાર નીકળી ગયું હોત.’ ફિનલેન્ડમાં ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ‘વોશિંગ્ટન પાસે કોઈ સત્તા નથી. ત્યાં બધું જ નિયંત્રણ અન્ય લોકોના હાથમાં છે.’ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગધામના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના દાવાઓથી વિપરીત બંને દેશો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ વાતચીત થઈ નથી.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
