<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ઈન્સ્ટાગ્રામમાં 'પ્રાઈવસી'ના લીરેલીરા: એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન હટાવવાનો નિર્ણય, ૩૦૦ કરોડ યુઝર્સના ડેટા જોખમમાં

સોશિયલ મીડિયા જાયન્ટની વિવાદાસ્પદ નવી પોલિસી: ૮ મેથી લાગુ થશે નવા નિયમો: યુઝર્સના ખાનગી મેસેજ અને ડેટા હવે સુરક્ષિત નહીં રહેવાની ભીતિ

નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીના એક એવા ઈન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા લેવામાં આવેલા એક ચોંકાવનારા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઈન્સ્ટાગ્રામમાંથી એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન (End-to-End Encryption) હટાવવાની હિલચાલને પગલે અંદાજે ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
એઆઈ સિસ્ટમનો મુખ્ય આધાર ડેટા છે. એઆઈ એજન્ટ્સને જેટલો ડેટા આપવામાં આવે છે એટલું તેની પાસેથી વધારે સારું કામ કરાવી શકાય છે. ઓપનએઆઈ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એન્થ્રોપિક જેવી અનેક કંપનીઓ એઆઈ ટેકનોલોજીમાં પણ આગળ પડતી છે. એમાંની જ એક કંપની મેટા છે. જે એઆઈ ટૂલ્સ ઓફર કરે છે અને તેને વધારે બહેતર બનાવવા કામ પણ કરે છે. મેટા પાસે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ છે. તેના ડેટાના આધારે કંપની પોતાની એઆઈ સર્વિસ બહેતર બનાવવાની પેરવી કરી રહી છે.
એના ભાગરૂપે યુઝર્સનો ડેટા મેળવવા માટે હવે મેટાએ નવો કીમિયો અજમાવ્યો છે. મેટાના કહેવા પ્રમાણે આગામી 8મી મેથી આવનારા નવા ઈન્સ્ટાગ્રામ અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે આ ફીચરનો ઉપયોગ બહુ ઓછા યુઝર્સ કરતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, કંપનીના આ નિર્ણય સામે વિરોધ ઉઠયો છે અને લોકોએ દલીલ કરી છે કે તેનાથી કરોડો યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મૂકાશે.
ઈન્સ્ટાગ્રામના દુનિયાભરમાં 300 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે. જો કંપની ઈન્સ્ટાગ્રામના ડાઈરેક્ટ મેસેજમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દે તો એ તમામ યુઝર્સની ચેટ લિક થવાનો ખતરો વધી જશે. એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન મેસેજમાં ગોલ્ડન સ્ટાન્ડર્ડ ગણાય છે. તેનાથી ચેટ સુરક્ષિત રહે છે. એ ફીચરથી ચેટ માત્ર બે જ લોકો વાંચી શકે છે. તે સિવાય સર્વરમાં કે ક્યાંક તેનો એક્સેસ મળી શકતો નથી. લોકોએ કહ્યું હતું કે કંપની કરોડો યુઝર્સના ડેટાનું એનાલિસિસ કરવા માંગે છે એટલે ઈન્સ્ટાગ્રામમાંથી આ ફીચર હટાવી રહી છે.

 

(5:38 PM IST)