<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પાકિસ્તાનમાં પાયમાલી: ઓઈલ સંકટે સરકારના હોશ ઉડાડ્યા, ફરી ‘કોરોના કાળ’ જેવી સ્થિતિનું નિર્માણ!

દેશમાં ઈંધણની ભારે તંગી વચ્ચે સરકારે લીધા આકરા નિર્ણય: અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ અને ‘વર્ક ફ્રોમ હોમ’ના આદેશ: અર્થતંત્રને બચાવવા માટે જનતા પર નિયંત્રણો લદાયા

નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક કટોકટીના અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મોંઘવારી અને દેવાના ડુંગર નીચે દબાયેલા આ દેશમાં હવે ભયંકર ‘ઓઈલ સંકટ’ પેદા થયું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પાકિસ્તાન સરકારે ઈંધણ બચાવવા માટે દેશમાં ફરી કોરોનાકાળ જેવી પાબંદીઓ અમલી બનાવવી પડી છે.
વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ સરકારી કચેરીઓમાં હવે સપ્તાહમાં માત્ર 4 દિવસ જ કામ થશે. જે વિભાગોમાં શક્ય હોય ત્યાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ (WFH) કરવા આદેશ અપાયો છે. સરકારી અધિકારીઓના પેટ્રોલ ખર્ચમાં 50 ટકાનો સીધો કાપ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં અત્યારે કોરોના મહામારી જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારને ડર છે કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલશે તો તેલની આયાત સંપૂર્ણ ખોરવાઈ શકે છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને 'કાર પૂલિંગ' કરવા સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ને સમગ્ર દેશની સ્થિતિ પર નજર રાખવા અને દરરોજ રિપોર્ટ સોંપવા જણાવાયું છે.
28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 60 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 118 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાની યાન્બુ રિફાઇનરી અને કુવૈતની બે તેલ રિફાઇનરીઓ પર થયેલા ડ્રોન હુમલાએ પુરવઠા સાંકળને વધુ નબળી પાડી છે.

 

(5:37 PM IST)