<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઇરાનના નવા હથિયારથી અમેરિકા-ઇઝરાયલની ઊંઘ થઇ હરામ

મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે ઈરાને એક એવું રહસ્યમય હથિયાર મેદાનમાં ઉતાર્યું છે:આકાશમાં ઉડતા ડ્રોન સુરક્ષિત નથી, કારણ કે ઈરાન તેને રડાર વગર જ પાડી દેવાની શક્તિ ધરાવે છે

નવી દિલ્હી: ઈરાને સંરક્ષણ ક્ષેત્રે એક મોટું ડગલું ભરતા પોતાનું નવું અને અત્યંત શક્તિશાળી હથિયાર '359' રજૂ કર્યું છે. આ એક 'લોયટરિંગ સરફેસ-ટુ-એર મિસાઇલ' છે, જે અગાઉની '358' મિસાઇલનું વધુ આધુનિક અને મોટું વર્ઝન માનવામાં આવે છે. આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ રડારની મદદ વગર દુશ્મનના ડ્રોનને શોધીને તેને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જૂની '358' મિસાઇલે અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર અને ઈઝરાયલના હર્મિસ 900 જેવા ડ્રોનને તોડી પાડીને દુનિયાને ચોંકાવી દીધી હતી, ત્યારે હવે '359'ના આગમનથી મધ્ય પૂર્વમાં અમેરિકન પ્રમુખ અને તેમની સેના માટે ચિંતા વધી ગઈ છે. આ મિસાઇલ એક જેટ-પાવર્ડ ઇન્ટરસેપ્ટર છે જેને સામાન્ય ટ્રક પરથી પણ લોન્ચ કરી શકાય છે. એકવાર હવામાં છોડ્યા પછી તે કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત ફરતી રહે છે અને પોતે જ લક્ષ્યની શોધ કરે છે. તે કોઈ રડાર સિગ્નલ છોડતી નથી, જેના કારણે ડ્રોન ઓપરેટરને હુમલાની કોઈ પણ ઍલર્ટ મળતી નથી અને અચાનક ડ્રોનનો વીડિયો ફીડ બંધ થઈ જાય છે. ઇન્ફ્રારેડ સેન્સર અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી આ મિસાઇલ દુશ્મન ડ્રોનના સિગ્નલને ઓળખી લે છે. '359' મિસાઇલ જૂના વર્ઝન કરતા કદમાં મોટી છે, જેથી તે વધુ સમય સુધી હવામાં રહી શકે છે અને તેની રેન્જ પણ 100 કિમીથી વધુ છે.

આ ટૅક્નોલૉજીએ યુદ્ધની વ્યૂહનીતિ બદલી નાખી છે. જ્યાં અમેરિકાના એક MQ-9 રીપર ડ્રોનની કિંમત અંદાજે 32 મિલિયન ડૉલર છે, તેની સામે ઈરાનની આ મિસાઇલ માત્ર 20થી 50 હજાર ડૉલરમાં તૈયાર થઈ જાય છે. ઈરાન આવા હથિયારોને મોટી સંખ્યામાં તૈનાત કરીને આખા આકાશમાં એક સુરક્ષા કવચ બનાવી શકે છે. અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલની તાકાત તેમના ડ્રોન દ્વારા થતી દેખરેખ પર ટકેલી હતી, પરંતુ હવે રડાર વગર કામ કરતી આ મિસાઇલો સામે પેન્ટાગન પાસે પણ કોઈ સીધો જવાબ નથી.

(5:07 PM IST)