<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

LPGના 'કાળાબજાર' અને 'સંકટ' વચ્ચે ગૃહિણીઓ પાયમાલ: રસોડામાં ગેસ ભૂલાયો, ઈન્ડક્શનની બોલબાલા

બજારમાં ઈન્ડક્શન કૂકટોપના પણ 'વાંધા': સ્ટોક આઉટ ઓફ માર્કેટ, વેપારીઓને ત્યાં ગ્રાહકોના ટોળા

નવી દિલ્હી: મોંઘવારીના માર વચ્ચે હવે ગેસ સિલિન્ડરના સંકટે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ગેસના બાટલા મેળવવા માટે લાંબી કતારો અને સમયસર ડિલિવરી ન મળતા હવે લોકોએ રસોડાની રીત બદલી નાખી છે. ગેસ સગડીને બદલે હવે ઘરે-ઘરે 'ઈન્ડક્શન કૂકટોપ' (વીજળીથી ચાલતા ચૂલા) ના દર્શન થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ઈન્ડક્શન કૂકટોપ લેવા માટે પડાપડી થઈ રહી છે અને મોટાભાગના મોડેલો 'આઉટ ઓફ સ્ટોક' થઈ ગયા છે!

છેલ્લા કેટલાક સમયથી LPG વિતરણમાં અનિયમિતતા જોવા મળી રહી છે. બુકિંગ કરાવ્યાના ૧૦-૧૦ દિવસ સુધી બાટલો ઘરે ન પહોંચતા ગૃહિણીઓનો પિત્તો ગયો છે. હોટેલો અને કોમર્શિયલ વપરાશમાં ગેસ ડાયવર્ટ થતો હોવાની બૂમો વચ્ચે સામાન્ય માણસે હવે વીજળીનો સહારો લીધો છે.

રિટેલ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ LPGની અસર જોવા મળી રહી છે. હાલમાં ઇંડક્શન કૂકટોપનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ કેટલાક ઓનલાઇન વેબસાઇટ પર તો એ આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગયા છે. દુનિયાની રિટેલ અને ઇ-કોમર્સ ચેન ક્રોમા દ્વારા પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમની પાસે ઇંડક્શન કૂકટોપ હતાં એ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. સામાન્ય વેચાણ કરતાં 30 ગણું વેચાણ થઈ જતાં હવે કોઈ પણ કંપની પાસે એ સ્ટોકમાં નથી.

એમેઝોન અનુસાર ફક્ત ઇંડક્શન કૂકટોપ જ નહીં, પરંતુ કિચનને લગતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસના વેચાણમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. રાઇસ કૂકર અને ઇલેક્ટ્રિક કૂકરનું વેચાણ પણ ચાર ગણું વધી ગયું છે. એર ફ્રાયર અને મલ્ટી-યુઝ ઇલેક્ટ્રિક કેટલનું વેચાણ પણ ડબલ થઈ ગયું છે. એમેઝોનના કહ્યા મુજબ મુંબઈ, દિલ્હી અને બેંગલોર જેવી જગ્યાએ લોકો એમેઝોન નાઉનો ઉપયોગ કરીને મિનિટોમાં આ પ્રોડક્ટ ઓર્ડર કરીને મંગાવી રહ્યા હતા. એનાથી એ વાત તો ચોક્કસ છે કે ગેસની અછત થવાથી લોકોએ ઇંડક્શન કૂકટોપ પર પસંદગી ઉતારી છે. ક્રોમા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઇંડક્શન કૂકટોપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ હતી. સામાન્ય દિવસ કરતાં હાલમાં આ પ્રોડક્ટનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે.

 

(5:25 PM IST)