<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

શું છે ઈરાની સેનાની 'મોઝેક' વ્યૂહનીતિ? જાણો કેવી રીતે નાનકડા એકમો મોટા સામ્રાજ્યોને હંફાવે છે

સામાન્ય રીતે કોઈ પણ દેશની સેનામાં એક 'સેન્ટ્રલ કમાન્ડ' હોય છે જે આદેશ આપે છે. પરંતુ ઈરાનની મોઝેક પદ્ધતિ આનાથી સાવ અલગ છે: ઈરાનનું ભૌગોલિક સ્થાન પહાડી અને જટિલ છે. મોઝેક પદ્ધતિ હેઠળ, સ્થાનિક કમાન્ડરોને તે વિસ્તારની પૂરેપૂરી છૂટ આપવામાં આવે છે, જેથી વિદેશી સેના માટે તેમને શોધવા કે હરાવવા અશક્ય બની જાય છે

નવી દિલ્હી: અમેરિકા-ઈઝરાયલસામે યુદ્ધ મોરચે ઝઝૂમી રહેલા ઈરાને તેના સંરક્ષણની રીત બદલી નાખી છે. તેણે વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ (Decentralized Mosaic Defense- DMD) નામની વ્યૂહનીતિને સંપૂર્ણ રીતે સક્રિય કરી દીધી છે. આ વ્યૂહરચના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને 31 સ્વતંત્ર એકમોમાં વહેંચે છે, જેમાંની એક રાજધાની તહેરાનનું રક્ષણ કરશે અને બાકીની 30 દેશના અન્ય પ્રાંતોનું. વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ વ્યૂહરચના હેઠળ પ્રાંતીય કમાન્ડરોને તહેરાનની મંજૂરી લીધા વિના નિર્ણય લેવાની અને હુમલા કરવાની પૂરી સ્વતંત્રતા મળે છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના કેન્દ્રીય કમાન્ડને નુકસાન પહોંચ્યું હોવાથી આ પગલું ભરાયું છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને 31 સ્વતંત્ર એકમોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક એકમ પોતાના વિસ્તારમાં સ્વતંત્ર રીતે કામ કરે છે. કમાન્ડરો મિસાઈલ છોડી શકે છે, ડ્રોન ઉડાવી શકે છે અથવા ગેરિલા હુમલા કરી શકે છે. આ બધું એ પોતાના નિર્ણયથી કરે છે. તેમને કેન્દ્રની મંજૂરી લેવાની જરૂર નથી હોતી. ઈરાનની ભૂગોળનો ફાયદો લઈને પર્વતો અને રણને ગેરિલા ઝોનમાં ફેરવવામાં આવે છે. આને ‘ઊંડાઈમાં સંરક્ષણ’ (defense in depth) કહે છે, જે આક્રમણને ધીમું અને મુશ્કેલ બનાવે છે.

ડિફેન્સ ઓફ ડેપ્થ (Defense in Depth) એ સૈન્ય અને સુરક્ષા વ્યૂહરચનાનો એવો સિદ્ધાંત છે, જેમાં રક્ષણ એક જ લાઇન પર નહીં, પરંતુ અનેક સ્તરે ગોઠવવામાં આવે છે, જેથી શત્રુ આગળ વધે તેમ તેને વારંવાર અવરોધ, નુકસાન અને થાકનો સામનો કરવો પડે. એક સુરક્ષા-દીવાલ તૂટે તો બીજી તૈયાર જ હોય, જેથી અંત સુધી પહોંચતા પહેલાં શત્રુ નબળો પડી જાય.

 

(5:24 PM IST)