<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ઇઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરીથી ચર્ચાનો વિષય બન્યો

ઇઝરાયલના સૈનિકો સીધા દક્ષિણ લેબનોનની અંદર જઈને કરશે સૈન્ય કાર્યવાહી: સરહદ પર સૈનિકોની સંખ્યા વધારીને હિઝબુલ્લાહના હુમલા રોકવા માટે હોવાની માહિતી

નવી દિલ્હી:  ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે. આ ઓપરેશન પાછળની મુખ્ય વ્યૂહનીતિ એ છે કે, સરહદ પર સૈનિકોની સંખ્યા વધારીને હિઝબુલ્લાહના હુમલા રોકવા, જેથી ઉત્તર ઈઝરાયલમાં રહેતા સામાન્ય લોકો સુરક્ષિત રહી શકે.
ખાસ વાત એ છે કે, વર્ષ 2024માં થયેલા યુદ્ધવિરામ બાદ પણ ઈઝરાયલના સૈનિકો લેબેનોનની સરહદે પાંચ ચોક્કસ જગ્યાએ તો હાજર હતા જ, પરંતુ હવે પરિસ્થિતિ ગંભીર બનતા તેમણે ત્યાં સુરક્ષાના સાધનો અને હથિયારોમાં મોટો વધારો કર્યો છે. ટૂંકમાં, ઈઝરાયલ હવે વધુ આક્રમક રીતે પોતાની સરહદનું રક્ષણ કરવા માટે લેબેનોનની અંદર સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે.
બીજી તરફ, ઈઝરાયલના હુમલા સામે હવે લેબેનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ સંગઠને પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે. લેબેનોનના બેરૂત જેવા શહેરો પર થયેલા બોમ્બમારાના બદલામાં, હિઝબુલ્લાહએ ઉત્તર ઈઝરાયલમાં આવેલા મિલિટરી એર બેઝ પર ડ્રોન વડે હુમલા કર્યા છે. એટલું જ નહીં, તેમણે ગોલાન હાઇટ્સમાં આવેલા ઈઝરાયલી સૈન્ય મથકો પર પણ રોકેટમારો કરીને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઈઝરાયલી કાર્યવાહી સામે હિઝબુલ્લાહ હવે ડ્રોન અને રોકેટના ઉપયોગથી આક્રમક રીતે જવાબ આપી રહ્યું છે.
ઈઝરાયલ સરકાર હાલમાં પીછેહઠ કરવા તૈયાર નથી અને સરહદ પર ભારે તણાવ હોવા છતાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી નથી. જોકે, સંભવિત હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

 

(5:36 PM IST)