News of Wednesday, 25th February 2026
મૃત્યુની અંતિમ પળોમાં વ્યક્તિ શું બોલે છે?
ICU નર્સનો સનસનીખેજ ખુલાસો : શું છે એ માત્ર ૯ શબ્દો?

ન્યુયોર્ક,તા.૨૫: મૃત્યુ એ જીવનનું અંતિમ અને સૌથી મોટું સત્ય છે. માણસ જ્યારે આ દુનિયા છોડીને જવાનો હોય છે, ત્યારે તેની આસપાસ શું થતું હોય છે તે હંમેશા રહસ્યનો વિષય રહ્યો છે. હાલમાં એક ICUમાં ફરજ બજાવતી નર્સે સોશિયલ મીડિયા પર પોતાના એવા અનુભવો શેર કર્યા છે, જે સાંભળીને કોઈપણના રૂંવાડા ઉભા થઈ જશે. આ નર્સે એવા ૯ શબ્દો વિશે જણાવ્યું છે જે મોટાભાગના દર્દીઓ તેમના મૃત્યુના થોડા સમય પહેલા બોલે છે.
જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા ખૂબ જ ધૂંધળી હોય છે, પરંતુ જે લોકો હોસ્પિટલોના ICUમાં દિવસ-રાત કામ કરે છે, તેઓ આ સત્યને કોઈપણ સામાન્ય માણસ કરતા વધુ નજીકથી જુએ છે. અમેરિકાના ફલોરિડામાં રહેતી ૨૯ વર્ષીય નર્સ કિર્સ્ટી રોબર્ટ્સએ છેલ્લા ૪ વર્ષમાં અગણિત લોકોને પોતાની નજર સામે દમ તોડતા જોયા છે. કિર્સ્ટીનો દાવો છે કે, મૃત્યુના આઘોશમાં સમાતા પહેલા દરેક વ્યક્તિના વર્તનમાં એક એવો 'આધ્યાત્મિક બદલાવ' આવે છે, જેને આજ સુધી તબીબી વિજ્ઞાન પણ સમજી શક્યું નથી. તેમણે એક સોશિયલ મીડિયા વીડિયો એ શબ્દોનો ખુલાસો કર્યો છે, જે લગભગ દરેક દર્દી પોતાના છેલ્લા સમયે બોલે છે.
કિર્સ્ટીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ દર્દીની હાલત ગમે તેવી હોય, તેના વાઈટલ્સ સ્થિર હોય કે ડોક્ટર તેને જોખમની બહાર ગણાવતા હોય, પરંતુ દર્દીને પોતે જ પોતાના મૃત્યુનો પૂર્વાભાસ થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, 'મરનાર દરેક વ્યક્તિ લગભગ એક જ વાત કહે છે કૃપા કરીને મારા પરિવારને કહેજો કે હું તેમને પ્રેમ કરું છું, મને સારું નથી લાગી રહ્યું અને મને ખબર છે કે હું મરવાનો છું.' ચોંકાવનારી વાત એ છે કે, જેવો કોઈ દર્દી આ શબ્દો બોલે છે, તેના થોડા જ સમયમાં તેનું મૃત્યુ થઈ જાય છે. કિર્સ્ટી કહે છે કે, આ એવી સ્થિતિ છે જ્યાં દવાઓ અને ટેસ્ટ નિષ્ફળ જાય છે, કારણ કે આત્માને કદાચ વિદાયનો સંકેત પહેલેથી જ મળી ચૂક્યો હોય છે.
તેણી જણાવે છે કે, તેના ચાર વર્ષના કરિયરમાં ઘણી વાર જોયું છે કે દર્દીના શરીરના તમામ પેરામીટર્સ એકદમ સામાન્ય હોય છે, કંઈ પણ એવું હોતું નથી જે જીવલેણ દેખાય, પરંતુ અચાનક તે શિફટ થાય છે જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. અન્ય મેડિકલ પ્રોફેશનલ્સે પણ કિર્સ્ટીના આ અનુભવને સમર્થન આપ્યું છે. એક પૂર્વ હોસ્પાઈસ નર્સે ટિપ્પણી કરી હતી કે, તે એકદમ સાચું કહી રહી છે, દર્દીને હંમેશા ખબર હોય છે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, તેના કાકાના વાઈટલ્સ સારા હતા, તેમ છતાં તેમણે પોતાના મૃત્યુની સચોટ આગાહી કરી દીધી હતી. મૃત્યુ સાથે આ પ્રકારનો સામનો કરવો કિર્સ્ટી માટે ક્યારેય સરળ રહ્યો નથી. તે કહે છે કે, 'દર્દીઓ સાથે ઊંડો સંબંધ બંધાઈ જાય છે, તેમના પરિવારો સાથે અમે સમય વિતાવીએ છીએ, તેથી તેમને ગુમાવવા હંમેશા પીડાદાયક હોય છે. પરંતુ સમય જતાં તમે તેને વાસ્તવિકતા તરીકે સ્વીકારતા શીખી જાઓ છો.'
કિર્સ્ટીનું માનવું છે કે, જીવન માત્ર ભૌતિક વસ્તુઓ ભેગી કરવા વિશે નથી, કારણ કે અંતે આપણે બધું અહીં જ છોડી જઈએ છીએ. તેમણે લોકોને સંદેશ આપ્યો કે, તેઓ ઈશ્વરને પ્રેમ કરે, બીજાની પરવા કરે અને તેમની પાસે જે કંઈ પણ છે તેના માટે આભારી રહે, કારણ કે અંતિમ સમયે માત્ર પ્રેમ અને સંબંધો જ સાથે રહી જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, ઘણીવાર શરીરના અંગો નિષ્ફળ જાય તે પહેલાં મગજને સંકેતો મોકલે છે, જેના કારણે ગભરાટ અથવા બેચેની અનુભવાઈ શકે છે. જોકે, કિર્સ્ટી જે આધ્યાત્મિક અનુભવ વિશે વાત કરી રહી છે, નર્સોનો આ અનુભવ દર્શાવે છે કે મૃત્યુ એ માત્ર એક શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ એક ઊંડી ભાવનાત્મક અને આધ્યાત્મિક સફર પણ છે. કિર્સ્ટીની આ વાતએ વિશ્વભરના લોકોને વિચારતા કરી દીધા છે કે, શું ખરેખર માણસને પોતાની વિદાયનો સમય પહેલેથી જ અનુભવાઈ જાય છે?
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
